પાટણ, 10 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ જિલ્લાના ભાદરવામાં વરસાદે ઘાતક ધમાકો કર્યો છે. પહેલા ઓછી માત્રામાં પડેલા અમીરુપિ વરસાદથી ખેડૂતોમાં આશા જાગી હતી અને તેમણે મોંઘા બિયારણ અને હકામણીના ખર્ચ સાથે મહેનતપૂર્વક પાક ઊગાડ્યો હતો. પરંતુ એક જ ઝપાટે વરસેલા ભારે વરસાદે પાક તણાઈ જતાં ખેડૂતોને ફરીથી નિરાશા વટાવી પડી છે.
સમી અને શંખેશ્વર તાલુકાના સોનાર, વાવલ, નાયકા, દુદખા, મોટીચંદુર, મેમણા, લોલાડા સહિતના અનેક ગામોના ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. હાલત એવી છે કે પાક નષ્ટ તો થયો જ છે, હવે ખેડૂતોએ તે પાક ખેતરમાંથી કાઢવા મજૂરી પણ કરવી પડી રહી છે.
કુદરત સામે લાચાર બનેલા ખેડૂતો સરકાર તરફ સહાયની આશા રાખી રહ્યા છે. આ સ્થિતિ માત્ર કેટલાક ગામોમાં નહીં, પરંતુ અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે, જ્યાં ખેડૂતની મહેનત પાણીને ચાલી ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ