વલસાડ, 10 સપ્ટેમ્બર (હિ.સ.): વલસાડ પુસ્તક પરબ, દ્વારા ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત સાહિત્યકાર વિનોદ જોશીનું મહાકવિ કાલિદાસ રચિત 'અભિજ્ઞાન શાકુંતલ' પર વલસાડની શાહ એન. એચ.કોમર્સ, કોલેજના એક્ટિવિટી હોલમાં વક્તવ્ય યોજાયું હતું.
કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે દેવરાજ બાપાની વાંસળીના સૂર તથા ડૉ. આસ્થાના કવિ કાલિદાસના શ્લોકગાનથી થયો હતો. મહાકવિ કાલિદાસ કેન્દ્રમાં છે હું તો ટપાલી છું ... થી પ્રારંભ કરી કાલિદાસની કાલજયી કૃતિ વિશે રસાળ શૈલીમાં કવિ વિનોદ જોશીએ સરસ રીતે વાતોને મૂકી હતી. કાલિદાસનો પરિચય આપી પંચમ મહાકાવ્યનો ઉલ્લેખ કરી, સંસ્કૃત સાહિત્યના અન્ય કવિઓની કૃતિઓ વિશેની વાતો પણ વણી લીધી હતી. એમના આ વક્તવ્યમાં પ્રશિષ્ટ સંસ્કૃત ભાષા સાહિત્ય પ્રત્યેનો તેમનો લગાવ શ્રોતાઓને અનુભવાયો હતો. કવિ વિનોદ જોશીએ મહાકવિની કૃતિના શ્લોકો ટાંકતા જઈ સમજાવતા ગયા હતા. જેને સાંભળી શ્રોતાઓ કૃતિમાં રસમગ્ન બન્યા હતા. વધુમાં તેમણે આરણ્યક અને નગર સંસ્કૃતિનો ભેદ સમાંતરે ઉકેલતાં રહી માણસે પ્રકૃતિમય બની રહેવું જોઈએ એ વાત ઉજાગર કરી કહ્યું કે, આપણે સંસ્કૃતિમય જીવન જીવીએ છીએ છતાં પ્રકૃતિ પાસે વારંવાર જવું પડે છે. પ્રકૃતિ આપણને અનેક રીતે આકર્ષે છે તેથી કોઈને કોઈ બહાને પ્રકૃતિ પાસે ખેંચાઈએ છીએ. સરવાળે વિજય તો પ્રકૃતિનો જ થાય છે. આશ્રમ કન્યા શકુંતલા અને રાજા દુષ્યંતના દીકરા ભરતના નામ પરથી આપણા દેશનું નામકરણ ‘‘ભારત’’ થયું હતું. દુષ્યંત અને શકુન્તલાના મિલન, વિચ્છેદ અને પુનર્મિલનની 2500 વર્ષ પહેલાંની આ કથાને કવિશ્રી વિનોદ જોશીના મુખે સાંભળી સૌ ભાવવિભોર બન્યા હતા.
કાર્યક્રમનું સંચાલન હાર્દિક પટેલે કર્યું હતું. કવિ વિનોદ જોશીનો ટૂંકમાં પરિચય ડો. આશા ગોહિલે આપ્યો હતો. કાર્યક્રમના અંતે આભારવિધિ દિલીપભાઈ દેસાઈએ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે