નવસારી , 10 સપ્ટેમ્બર (હિ.સ.): નવસારી જિલ્લાના બાગાયતી પાકો જેવા કે આંબા, ચીકુ, કેળાં, શાકભાજી પાકોમાં રીંગણ, ભીંડા, ટામેટાં, મરચાની ખેતી ખેડૂતો દ્વારા મોટા વિસ્તારોમાં કરવામાં આવે છે. પરંતુ વેલાવાળા શાકભાજી જેવા કે ટીંડોળા અને પરવળ બહુવર્ષીય હોવાથી ખેડૂતોને ખેતીમાં ઓછા એકમ વિસ્તારમાથી તેના બજારભાવ ઉંચા રહેતા હોવાથી વધુ આવક અપાવી શકે છે. કૃષિ યુનિવર્સિટી દ્વારા સતત વિવિધ પાકોમાં સંશોધન હાથ ધરી વહેલી પાકતી, વધુ ઉત્પાદન આપતી અને રોગજીવાત સામે પ્રતિકારકતા ધરાવતી જાતો વિકસાવવામાં આવી છે. જે બાબતોથી ખેડૂતોને માહિતિગાર કરવા અને ટીંડોળા અને પરવળનું ખેતીમાં આગવું મહત્વ અંગેની જાણકારી પહોચાડવા નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના કુલપતિ ડો. ઝેડ. પી. પટેલના માર્ગદર્શનથી કેવિકે દ્વારા ટીંડોળા અને પરવળની વૈજ્ઞાનિક ઢબે ખેતી અંગેની ખેડૂત તાલીમ યોજાઈ હતી.
જેમાં બાગાયત વૈજ્ઞાનિક ડો. દિક્ષિતા પ્રજાપતિ દ્વારા ટીંડોળાના રોપાનું અગ્રિમ હરોળ નિદર્શન પણ ગોઠવવામાં આવ્યું તેમજ ટીંડોળા અને પરવળની કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પડેલી જાતો (ગુજરાત નવસારી ટીંડોળા-1 અને ગુજરાત નવસારી પરવળ-1) ટીંડોળા અને પરવળની વૈજ્ઞાનિક ખેતી અંગે માહિતી આપવામાં આવી હતી. આ તાલીમમાં ઢોલુમ્બર, અંકલાંછ તેમજ રવણીયા ગામના 20 જેટલા ખેડૂત ભાઈ તથા બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ માર્ગદર્શન મેળવ્યું હતું. આ તાલીમમાં કેન્દ્ર્ના વડા ડો.સુમિત સાળુંખે અને સહપ્રધ્યાપક, ન.મ.કૃષિ મહાવિધ્યાલયના ડો. કિંજલ શાહ પણ ઉપસ્થિત રહી ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે