અમરેલી, 11 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ તથા પોક્સોના ગુનામાં કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. નામદાર સ્પેશિયલ જજ (પોક્સો) તથા ચોથા એડી. સેસન્સ જજ, અમરેલીના અદાલતે આરોપી દિગ્વીજય મુળજીભાઈ ચુડાસમાને ત્રણ વર્ષની સખત કેદ તથા રૂપિયા ૨૦,૦૦૦ ના દંડની સજા ફટકારી છે.
મામલાની વિગત મુજબ, આરોપીએ નાબાલિક બાળકીનું અપહરણ કરી તેના પર અત્યાચાર કર્યો હતો. આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પગલાં લેવામાં આવ્યા અને આરોપીને કાયદેસરની પ્રક્રિયા અંતર્ગત કોર્ટમાં હવાલે કરવામાં આવ્યો.
કેસની સુનાવણી દરમિયાન પોલીસ ઈન્સ્પેક્ટર જી.જે. રાવત દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા તથા પબ્લિક પ્રોસિક્યુટર એમ. આર. ત્રિવેદીની અસરકારક દલીલોને આધારે કોર્ટએ આરોપીને દોષિત ઠેરવી સજા જાહેર કરી.
આ ચુકાદો સમાજમાં કાયદો અને ન્યાય પ્રત્યે વિશ્વાસ મજબૂત કરે છે તથા આવા ગુનાઓ માટે એક કડક સંદેશ આપે છે કે નાબાલિકો સામેના અત્યાચાર ક્યારેય સહન કરવામાં નહીં આવે. પોલીસ અને પ્રોસિક્યુશનની ચુસ્ત કામગીરીના પરિણામે પીડિતાને ન્યાય મળ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai