સાવરકુંડલા તાલુકાના કરજાળામાં કેળાના ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુશ્કેલીમાં
અમરેલી,11 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લો કૃષિ ક્ષેત્રે પ્રગતિશીલ ગણાય છે. અહીંના મોટા ભાગના ખેડૂતો બાગાયતી પાક તરફ વળ્યા છે. ખાસ કરીને સાવરકુંડલા તાલુકાનું કરજાળા ગામ કેળાના પાક માટે જાણીતું છે. આ ગામમાં મોટા પાયે કેળાનું વાવેતર કરવામાં આવે છે, પરં
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામમાં કેળા ખેડૂતોની મુશ્કેલી


અમરેલી,11 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લો કૃષિ ક્ષેત્રે પ્રગતિશીલ ગણાય છે. અહીંના મોટા ભાગના ખેડૂતો બાગાયતી પાક તરફ વળ્યા છે. ખાસ કરીને સાવરકુંડલા તાલુકાનું કરજાળા ગામ કેળાના પાક માટે જાણીતું છે. આ ગામમાં મોટા પાયે કેળાનું વાવેતર કરવામાં આવે છે, પરંતુ હાલના સમયમાં ખેડૂતો ભાવમાં થતા ભારે ઘટાડાને કારણે કંગાલાઈનો સામનો કરી રહ્યા છે.

કરજાળા ગામમાં અંદાજે 250 થી 300 વીઘામાં કેળાનું વાવેતર કરવામાં આવ્યું છે. ખેડૂતો ભારે મહેનત અને ખર્ચ કરીને આ પાક ઉભો કર્યો છે. પરંતુ હાલની પરિસ્થિતિ એવી છે કે ખેડૂતોને તેમના ખર્ચની સરખામણીએ યોગ્ય આવક નથી મળી રહી. બજારમાં કેળાની માંગ હોવા છતાં ખેડૂતોને યોગ્ય ભાવ મળતો નથી.

સ્થાનિક ખેડૂત નમિશ ઠાકર જણાવે છે કે પોતાના 10 વીઘામાં કેળાનું વાવેતર કર્યું છે. એક વીઘામાં આશરે 75 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, જેમાં બીજ, ખાતર, દવા, મજૂરી, સિંચાઈ સહિતના તમામ ખર્ચાનો સમાવેશ થાય છે. પાક તૈયાર થયા બાદ એક વીઘાથી સરેરાશ 20,000 થી 25,000 રૂપિયાની આવક મળે છે. આ રીતે ખેડૂતોને નુકસાનનો સામનો કરવો પડે છે.

હાલની પરિસ્થિતિમાં કેળાના 20 કિલોના કાટિયાં ખેડૂતોને ₹40 થી ₹80 સુધી વેચવા પડે છે. એટલે કે, પ્રતિ કિલો ફક્ત ₹2 થી ₹4 જેટલો ભાવ મળી રહ્યો છે. જ્યારે ખુલ્લા બજારમાં એક કિલો કેળો ₹40 થી ₹60 સુધી વેચાય છે. બાર નંગ કેળાનો ભાવ ₹70 બોલાઈ રહ્યો છે. આ વચ્ચે ખેડૂતો પાસેથી ખરીદતા વેપારીઓ અને માર્કેટમાં વેચતા વેપારીઓ વચ્ચેનો તફાવત સ્પષ્ટ જોવા મળે છે. ખેડૂતોને યોગ્ય ભાવ મળતો નથી જ્યારે વેપારીઓ ગ્રાહકો પાસેથી વધારે ભાવ વસૂલતા હોય છે.

ખેડૂતો જણાવે છે કે આ પરિસ્થિતિમાં તેઓ માટે પાકમાંથી નફો મેળવવો તો દૂર, ખર્ચ પણ વસૂલ થતો નથી. ખેડૂતોએ આખા વર્ષે રાતદિવસ મહેનત કરીને પાક ઉભો કર્યો, પરંતુ વેચાણ સમયે મળતા ઓછા ભાવને કારણે તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હાલની સ્થિતિ એવી છે કે ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે.

કરજાળા ગામમાં મોટા ભાગના ખેડૂતોનો મુખ્ય આધાર કેળા પાક છે. બાગાયતી પાકમાંથી યોગ્ય આવક ન મળતા ખેડૂતો કુટુંબનું ભરણપોષણ કરવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. ઘણા ખેડૂતો પરત જઈને પરંપરાગત પાક જેમ કે મગફળી, કપાસ કે અનાજ તરફ વળવા અંગે વિચારી રહ્યા છે. પરંતુ કેળાના પાકમાં કરાયેલું મોટું રોકાણ તેમને પાછળ ખેંચે છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ, સરકાર અને કૃષિ વિભાગે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. કેળા ખેડૂતોને ઓછામાં ઓછા ખર્ચ પૂરતો ભાવ મળે તેની વ્યવસ્થા કરવી જરૂરી છે. સરકાર માર્કેટ યાર્ડમાં નિયંત્રણ રાખે, મધ્યસ્થીઓ પર કાબૂ મેળવાય અને ખેડૂતને સીધો લાભ મળે તે માટે તંત્ર કડક પગલાં ભરે તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે.

કરજાળા ગામના ખેડૂતોની હાલની પરિસ્થિતિ માત્ર આ ગામ પૂરતી નથી, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના કેળા ખેડૂતો માટે ચિંતાજનક છે. જો આવું જ ચાલતું રહેશે તો ખેડૂતો કેળાના પાકથી દૂર થઈ જશે અને તેના પરિણામે બાગાયતી ક્ષેત્રમાં નકારાત્મક અસર પડશે.

આવા સંજોગોમાં ખેડૂતોને યોગ્ય ભાવ મળે, સહકારી સંસ્થાઓ દ્વારા ખરીદીની વ્યવસ્થા થાય અને નિકાસ માટે ખાસ આયોજન કરવામાં આવે તો ખેડૂતોને રાહત મળશે. કેળા પાકને વૈશ્વિક બજારમાં મોટી માંગ છે. જો સરકાર યોગ્ય નીતિ ઘડશે તો ખેડૂતોને ફાયદો થશે અને કૃષિ ક્ષેત્રમાં બાગાયતી પાકનો વિકાસ થશે.

કુલ મળીને, કરજાળા ગામના ખેડૂતો હાલમાં ભારે સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. મહેનત અને ખર્ચ કર્યા છતાં ખેડૂતોને ફક્ત નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. આવનારા સમયમાં ખેડૂતોને બચાવવા માટે તંત્ર અને સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવશે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande