સાવરકુંડલા નજીકનું પૌરાણિક ગિરધર વાવ: ઇતિહાસ અને આકર્ષણ
અમરેલી,11 સપ્ટેમ્બર (હિ.સ.): સાવરકુંડલા શહેરથી આશરે બે કિલોમીટર મહુવા રોડ પર આવેલું ગિરધર વાવ એક પૌરાણિક અને ઇતિહાસિક સ્થળ તરીકે ઓળખાય છે. સદીઓ જૂના આ વાવમાં નકશીકામ અને કોતરણીની અદભૂત કલા આજે પણ મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરી દે છે. કુદરતી સૌંદર્ય અને પ
સાવરકુંડલા નજીકનું પૌરાણિક ગિરધર વાવ : ઇતિહાસ અને આકર્ષણ


અમરેલી,11 સપ્ટેમ્બર (હિ.સ.): સાવરકુંડલા શહેરથી આશરે બે કિલોમીટર મહુવા રોડ પર આવેલું ગિરધર વાવ એક પૌરાણિક અને ઇતિહાસિક સ્થળ તરીકે ઓળખાય છે. સદીઓ જૂના આ વાવમાં નકશીકામ અને કોતરણીની અદભૂત કલા આજે પણ મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરી દે છે. કુદરતી સૌંદર્ય અને પ્રાચીન શિલ્પકલાનું અનોખું સંયોજન ધરાવતું આ સ્થળ આજના સમયમાં એક ફરવાલાયક પર્યટન સ્થળ તરીકે ઊભરતું જાય છે.

ગિરધર વાવ લગભગ 300 વર્ષ જૂનું માનવામાં આવે છે. ઇતિહાસ મુજબ, ભાવનગરના મહારાજાએ રૈયત માટે પાણીની સુવિધા મળે તે માટે આ વાવનું બાંધકામ કરાવ્યું હતું. તે સમયના લોકો માટે પાણીની અછત એક મોટી સમસ્યા હતી, અને આવા વાવ ગામલોકો તથા મુસાફરો માટે જીવનરક્ષક સાબિત થતા. સ્થાનિક માન્યતા મુજબ આ વાવ ભાવનગર મહારાજાનો એક વિસામો પણ ગણાતો હતો, જ્યાં તેઓ આરામ કરતા હતા.

બાદના સમયમાં નગરશેઠ ગિરધર દેસાઈએ આ વાવનું જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. તેમણે વાવને વધુ ઊંડું કરાવ્યું અને સાથે જ મુસાફરો માટે વિસામો તથા રાત્રે રોકાઈ શકે તેવી સુવિધાઓ ઊભી કરી. એ સમય દરમિયાન વાહનો કે સુવિધાસભર મુસાફરીના સાધનો ઉપલબ્ધ ન હતાં, તેથી માર્ગમાં પસાર થતા લોકો આ વાવ પાસે રોકાતા. અહીં તેઓ પાણી પીતા, ભોજન કરતા અને આરામ પણ કરતા. વાવની આસપાસની વ્યવસ્થા લોકોને આકર્ષતી હતી અને લાંબા સમય સુધી મુસાફરો માટે આશ્રયસ્થાન બની રહી.

આ વાવમાં માત્ર જળસંગ્રહ જ નહીં, પરંતુ ધાર્મિક મહત્વ પણ જોડાયેલું છે. વાવની ઉપર મહાદેવનું મંદિર આવેલું છે, જેને સોમનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર ઘણા વર્ષોથી ભક્તોના આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. અહીં વર્ષો થી ભગીરથ ગીરી મનુંગીરી ગોસાઈ મહંત તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 30 વર્ષથી તેઓ આ મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરે છે.

સોમનાથ મહાદેવ મંદિરના દર્શન માટે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો આવે છે. મંદિર સાથે જ ગિરધર વાવનું નિહાળન કરવું તેમના માટે એક ખાસ અનુભવ બની રહે છે. પ્રાચીન કોતરણી કામ, શિલ્પકળાની ઝાંખી અને વાવની શાંતિપૂર્ણ વાતાવરણ આધુનિક જીવનના ગાંજારમાંથી થોડો વિરામ અપાવે છે.

ગિરધર વાવના ઇતિહાસ સાથે સ્થાનિકોનો ગાઢ સંબંધ છે. વડીલો કહે છે કે પહેલાંના સમયમાં જ્યારે વાહનો નહોતા, ત્યારે આ વાવ જ મુસાફરોની તરસ શમાવતું હતું. પાણી પીવા, આરામ કરવા અને ગામલોકો સાથે સંબંધો બાંધવા માટે આ સ્થળ મહત્વપૂર્ણ હતું. સમય જતાં વાવનું મહત્વ ઓછું થયું, પરંતુ આજે ફરી એકવાર તેના પુનઃનિર્માણ અને નવીનીકરણની વાત ચાલી રહી છે.

સ્થાનિક મહંતો અને ગ્રામજનોના જણાવ્યા મુજબ, ટૂંક સમયમાં આ વાવનું નવીનીકરણ કરવામાં આવશે. જો વાવનું સંરક્ષણ અને પુનઃસ્થાપન કરવામાં આવશે તો તે માત્ર એક ઇતિહાસિક વારસો જ નહીં, પરંતુ પર્યટન કેન્દ્ર તરીકે પણ વિકસી શકે છે.

આજે ગિરધર વાવ સાવરકુંડલાના લોકો માટે ગૌરવનું સ્થળ છે. અહીંનો પૌરાણિક ઇતિહાસ, શિલ્પકળા અને ધાર્મિક આસ્થા – ત્રણેયનું અનોખું સંયોજન આ સ્થળને વિશિષ્ટ બનાવે છે. આવતા સમયમાં સરકાર અથવા સ્થાનિક સંસ્થાઓ આ સ્થળના વિકાસ માટે ધ્યાન આપશે તો ગિરધર વાવ માત્ર ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતું નહીં, પરંતુ પ્રવાસીઓ માટે એક અનોખું આકર્ષણ બની રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande