અમરેલી, 15 સપ્ટેમ્બર (હિ.સ.): ભાવનગર ખાતે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય કાર્યક્રમના સંદર્ભે અમરેલી જિલ્લા ભાજપ દ્વારા સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી ભાજપના આગેવાનો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન જિલ્લા ભાજપ અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ થયું હતું. બેઠકમાં આવનારા કાર્યક્રમ માટે કાર્યકર્તાઓની જવાબદારીઓ નક્કી કરવામાં આવી તથા કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં અમરેલી જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની સક્રિય ઉપસ્થિતિ રહે તે માટે આયોજન કરવામાં આવ્યું. બેઠક દરમિયાન આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને સંદેશ આપવામાં આવ્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિચારો, કાર્યશૈલી અને પ્રેરણાદાયી વ્યક્તિત્વને ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડવાનો પ્રયાસ થવો જોઈએ. કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓ દ્વારા શિસ્ત, એકતા અને સમર્પણ દર્શાવવું એ ભાજપની ઓળખ છે તેવું પણ ઉલ્લેખાયું.
આ બેઠકમાં યુવા મોરચા, મહિલા મોરચા સહિતના મોરચાના પ્રતિનિધિઓએ પોતાના વિચારો રજૂ કર્યા અને આવનારા કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌએ એકજૂટ થઈને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ રીતે અમરેલી જિલ્લા ભાજપની આ સંગઠનાત્મક બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાવનગર ખાતેના ભવ્ય કાર્યક્રમને ઐતિહાસિક બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai