પોરબંદર, 15 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર જિલ્લાની 450 આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં પોતાની વિવિધ માંગણીઓ સાથે જિલ્લા પંચાયતે પહોંચી હતી. પી.એમ.વી.વાય. ફોર્મ વર્ષ 2022 માં ભરેલ છે. તેના પૈસાની ચુકવણી આજ દિન સુધી કરવામાં આવી નથી તેમજ એન.સી.બી.સી.બી.એ.સી.ના ફોર્મ, આભ કાર્ડ, ટી.બી. હેલ્થ એન્ડ વેલનેસ, આયુષ્માન કાર્ડ, વગેરે જેવી કામગીરીના પૈસા બે વર્ષથી મળેલા નથી.
ગુજરાત અને ભારત સરકાર મહિલા સશક્તિકરણની યોજનાઓ બહાર પાડી મહિલાઓને પગભર થવાની નિવેદન બાજી નેતાઓ અને મંત્રીઓ જાહેર સભામાં બોલતા જોવા મળતા હોય છે પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ જોવા મળતી હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ રાષ્ટ્રપિતા તુલ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર જિલ્લાની છે કે જ્યાં આજે તા. 15 સપ્ટેમ્બર સોમવારના રોજ 450 જેટલી આશા વર્કર બહેનો પોતાને કરેલી કામગીરીના મહેનતાણાની માંગ સાથે આક્રોશ સાથે આરોગ્ય અધિકારી સમક્ષ પહોંચી હતી. મહિલાઓએ પોરબંદર જિલ્લાના આરોગ્ય અધિકારી મારફત આવેદન પત્ર પાઠવી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજુઆત કરી હતી.
આ રજુઆતમાં તેમણે વિગતવાર જણાવ્યું છે તેમાં નજર કરીએ તો પી.એમ.વી.વાય.ફોર્મ વર્ષ 2022 માં ભરેલ છે. તેના પૈસાની ચુકવણી આજ દિન સુધી કરવામાં આવી નથી તેમજ એન.સી. બી.સી.બી.એ.સી. ના ફોર્મ, આભ કાર્ડ, ટી.બી. હેલ્થ એન્ડ વેલનેસ, આયુષ્માન કાર્ડ, વગેરે જેવી કામગીરીના પૈસા બે વર્ષથી મળેલા નથી આ સિવાય આશા વર્કર દ્વારા પોતાના વિસ્તારમાં ઘરે-ઘરે જઈ સર્વેની કામગીરી કરે છે.સરકારની વિવિધ યોજનાની ઓફલાઈન-ઓનલાઈન કામગીરી તેમજ વિવિધ રોગોની સર્વે સહિતની કામગીરી કરવા છતાં મળવા પાત્ર રકમની ચુકવણી ન થતા મહિલાઓએ સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે.
આવેદન પત્રમાં મહિલાઓએ એમ પણ જણાવ્યું છે કે, સરકાર નારીના સન્માન માટેની મહિલાઓને શશક્ત બનાવવાના પ્રયાસો કરે છે તો અમારી સાથે અન્યાય કેમ તેવા પ્રશ્નો આવેદન પત્રમાં પૂછવામાં આવ્યા છે. જો માંગ સ્વીકારવામાં નહિ આવે તો હાઈકોર્ટ જવું પડશે તેમ પણ જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya