પાટણ, 15 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ જિલ્લાના સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, સમી ખાતે સાયબર સિક્યુરિટી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ કૉલેજના સાયબર સિક્યુરિટી સેલ અને પાટણ જિલ્લા પોલીસના સાયબર ક્રાઇમ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત થયો હતો. કાર્યક્રમમાં કૉલેજના વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફે મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
મુખ્ય વક્તા તરીકે પાટણ પોલીસના સાયબર ક્રાઇમ PSI એસ.કે. દેસાઈ અને તેમની ટીમે વિદ્યાર્થીઓને ઓનલાઈન ફ્રોડના વિવિધ પ્રકારો અંગે વિગતવાર માહિતગાર કર્યા હતા. PSI દેસાઈએ કહ્યું કે ડર, લાલચ અને આળસને કારણે લોકો સાયબર ઠગાઈના શિકાર બનતા હોય છે. તેમણે વિવિધ પ્રેક્ટિકલ ઉદાહરણો અને બચાવના ઉપાયો પણ રજૂ કર્યા હતા.
કાર્યક્રમનું સંચાલન ડૉ. ચેતન પ્રજાપતિએ કર્યું હતું, જ્યારે આભારવિધિ ડૉ. અમર ચક્રવર્તીએ કરી હતી. કૉલેજના આચાર્ય ડૉ. ટેકપાલસિંહ આનંદ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને પ્રોત્સાહન આપ્યું હતું. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ