અમરેલી, 15 સપ્ટેમ્બર (હિ.સ.): આરોગ્ય શાખા જીલ્લા પંચાયત અમરેલી તેમજ તેજસ્વીની વુમેન્સ ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે “દિકરી ગૌરવ કાર્યક્રમ” ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો હેતુ સમાજની દિકરીઓએ વિવિધ ક્ષેત્રોમાં હાંસલ કરેલી અનોખી સિદ્ધિઓનું જાહેર મંચ પર સન્માન કરી તેમને વધુ પ્રોત્સાહિત કરવાનો રહ્યો.
કાર્યક્રમમાં શિક્ષણ, રમતગમત, કલા, સંશોધન, સેવા તથા ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં ગામ, તાલુકા કે જિલ્લા સ્તરે અનોખું પ્રદર્શન કરનાર દિકરીઓને વિશેષ માનપત્ર અને સ્મૃતિચિહ્ન અપાયા. દીકરીઓની સફળતાઓને ઉજાગર કરી તેમના માતા-પિતા તેમજ પરિવારજનોને પણ ગૌરવની લાગણીનો અનુભવ કરાવવામાં આવ્યો. આ અવસર પર મુખ્ય મહેમાનોએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, આજના યુગમાં દિકરીઓ પ્રતિભા, પરિશ્રમ અને આત્મવિશ્વાસથી અનેક ક્ષેત્રોમાં આગેવાની કરી રહી છે. તેમને પ્રોત્સાહન અને યોગ્ય માર્ગદર્શન મળે તો તેઓ સમાજને નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે. આ પ્રકારના કાર્યક્રમો દિકરીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનીને ભવિષ્યમાં વધુ ઉત્તમ કારકિર્દી તરફ આગળ વધવા માટે આધારરૂપ બને છે.
કાર્યક્રમમાં આરોગ્ય શાખાના અધિકારીઓએ દિકરીઓના સર્વાંગી વિકાસ માટે ચાલી રહેલી સરકારી યોજનાઓની પણ જાણકારી આપી. તેજસ્વીની વુમેન્સ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓ તથા કિશોરીઓના સશક્તિકરણ માટે કરાતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે પણ વિગતવાર માહિતગાર કરવામાં આવ્યું. આ આયોજન દ્વારા “દિકરી નથી ભાર, દિકરી છે પરિવારનો ગૌરવ” એવો સંદેશ સમાજમાં મજબૂત રીતે પ્રસરી ગયો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્વયંસેવક સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
આ રીતે અમરેલી જિલ્લાના આ અનોખા દિકરી ગૌરવ કાર્યક્રમ એ દીકરીઓની પ્રતિભાને જાહેર મંચ પર સન્માન આપીને તેમની હિંમત, આત્મવિશ્વાસ અને ઉત્સાહમાં નોંધપાત્ર વધારો કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai