પાટણ, 15 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના સમી તાલુકાના સોનાર ગામ નજીક આવેલ અદાણી સોલાર પાવર હાઉસની ડીપીમાં બપોરના સમયે ભીષણ આગ ભભૂકી ઊઠી. પ્રાથમિક તપાસ મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે. શોર્ટ સર્કિટ થતાં મશીનોમાં તીવ્ર કડાકા-ભડાકા સાથે આગ લાગી અને જ્વાળાઓથી ભયજનક દ્રશ્ય સર્જાયું હતું.
આગ એટલી વિકરાળ હતી કે કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર સુધી જોવા મળ્યા હતા. આસપાસના ગામલોકો અને રસ્તા પરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ અદાણી પાવર પ્લાન્ટના ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીના મારો ચલાવી આગ કાબૂમાં લાવી.
સમી મામલતદાર હરગોવનભાઈ પરમારે માહિતી આપી હતી કે ઘટના દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સોલાર પાવર હાઉસની મશીનો અને માળખાને ભારે નુકસાન પહોંચ્યું છે. સરકારી તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ