ધોકાવાડા પે સેન્ટર શાળામાં શિક્ષણની નવી ઊંચાઈ – વિદ્યાર્થીઓની સફળતાનો પ્રેરણાદાયક મૉડેલ
પાટણ, 15 સપ્ટેમ્બર (હિ.સ.)સાંતલપુર તાલુકાના ધોકાવાડા ગામની પી.એમ.શ્રી પે સેન્ટર શાળાના શિક્ષક સુરેશ સેંધવે શાળાને શૈક્ષણિક ક્ષેત્રે નવી ઊંચાઈએ પહોંચાડી છે. MA અને PTCની ડિગ્રી ધરાવતા સુરેશભાઈ છેલ્લા 17 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. તેમના માર્ગદર
ધોકાવાડા પે સેન્ટર શાળામાં શિક્ષણની નવી ઊંચાઈ – વિદ્યાર્થીઓની સફળતાનો પ્રેરણાદાયક મૉડેલ


પાટણ, 15 સપ્ટેમ્બર (હિ.સ.)સાંતલપુર તાલુકાના ધોકાવાડા ગામની પી.એમ.શ્રી પે સેન્ટર શાળાના શિક્ષક સુરેશ સેંધવે શાળાને શૈક્ષણિક ક્ષેત્રે નવી ઊંચાઈએ પહોંચાડી છે. MA અને PTCની ડિગ્રી ધરાવતા સુરેશભાઈ છેલ્લા 17 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. તેમના માર્ગદર્શન હેઠળ શાળાએ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે અને તેઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને યોજાયેલા 'પ્રેરણા સંવાદ' કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.

શિક્ષક સુરેશભાઈ શાળાના નિયમિત સમય બાદ પણ વિદ્યાર્થીઓને વધારાનું શિક્ષણ આપે છે. તેમના પ્રયાસોથી એનએમએસ પરીક્ષામાં 39 અને જ્ઞાન સાધના પરીક્ષામાં 79 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ અને પ્રાથમિક શિષ્યવૃત્તિ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે, જેના પરિણામે ઘણા વિદ્યાર્થીઓએ રેસિડેન્શિયલ શાળાઓમાં પ્રવેશ મેળવી ઉચ્ચ શિક્ષણ તરફ આગળવધું કર્યું છે.

શાળાના આચાર્ય નારાયણભાઈ આહિરે જણાવ્યું કે શાળામાં છેલ્લા 10 વર્ષથી સવારથી સાંજ સુધી સતત શૈક્ષણિક કાર્ય કરવામાં આવે છે. શિક્ષક સુરેશભાઈ સેંધવ, ડિમ્પલબેન, પ્રિયંકાબેન પટેલ અને ફોરમબેન દ્વારા બાળકો માટે સવાર-સાંજ સ્વૈચ્છિક સેવા આપવામાં આવે છે. આ પહેલથી વિદ્યાર્થીઓના પરિણામોમાં સતત સુધારો નોંધાયો છે અને શાળાની પ્રતિષ્ઠામાં વધારો થયો છે.

સી.આર.સી. દલાભાઈ આહિરે જણાવ્યું કે ધોકાવાડા શાળાના શિક્ષકોના 'સમયદાન'ના કારણે શાળાએ છેલ્લા ત્રણ વર્ષથી જ્ઞાન સાધના સહિત અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જિલ્લા અને રાજ્યસ્તરે ટોચના સ્થાન મેળવ્યા છે. વર્ષ 2022માં આ ક્લસ્ટરે સમગ્ર ગુજરાતમાં બીજો ક્રમ મેળવ્યો હતો. રમેશભાઈ સિંધવ દ્વારા બાળકોને સવાર-સાંજ માર્ગદર્શન આપવામાં આવે છે. આ પહેલ અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ દ્વારા પરિવર્તન લાવનારી બની છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande