પાટણ, 15 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ જિલ્લામાં જન્મ-મરણ નોંધણી માટે લાગુ કરાયેલા નવા સોફ્ટવેરના કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નવા સિસ્ટમ મુજબ માતા અને પિતા બંનેના આધારકાર્ડ ફરજિયાત કરવામાં આવ્યા છે, જેના કારણે કેટલીક પરિસ્થિતિઓમાં નોંધણી પ્રક્રિયા અટકી રહી છે.
વિશેષ કરીને ત્યારે મુશ્કેલી ઊભી થાય છે જ્યારે માતા કે પિતા હયાત ન હોય અથવા તેમનો આધારકાર્ડ ઉપલબ્ધ ન હોય. આવી સ્થિતિમાં અરજદારો માટે નોંધણી કરાવવી મુશ્કેલ બની ગઈ છે. આ ટેકનિકલ તકલીફો સામે લોકોમાં અસંતોષ પણ જોવા મળી રહ્યો છે.
આ મામલે બાલીસણા ગ્રામ પંચાયતના સરપંચ મુક્તિબેન નિમેષભાઈ પટેલે પ્રથમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમારનો સંપર્ક કર્યો. ચેરમેન નરેશ પરમારે આ સમસ્યાના નિવારણ માટે જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ રજુઆત કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ