મહેસાણા,15 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ રિસર્ફેસિંગનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. શહેરની અંદર વાહનવ્યવહાર સુગમ બને, ધૂળ-માટી અને ખાડાઓથી નાગરિકોને રાહત મળે તેમજ લાંબા ગાળે માર્ગોની ટકાઉ સ્થિતિ જળવાઈ રહે તે હેતુસર આ કામગીરી હાથ ધરવામાં આવી છે.
કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું છે કે મુખ્ય માર્ગો ઉપરાંત આંતરિક વિસ્તારોમાં પણ તબક્કાવાર રીતે રોડ રિસર્ફેસિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. જે વિસ્તારોમાં વાહન દબાણ વધુ છે, તેવા રસ્તાઓને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સ્થાનિક કોન્ટ્રાક્ટરો દ્વારા ગુણવત્તા જળવાઈ રહે તે માટે વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે.
રોડ રિસર્ફેસિંગના કારણે કેટલાક વિસ્તારોમાં વાહનવ્યવહાર માટે તાત્કાલિક વિકલ્પ માર્ગો અપાયા છે, જેથી નાગરિકોને વધારે અસુવિધા ન પડે. નાગરિકોએ પણ આ કામગીરીને આવકાર આપ્યો છે અને ભવિષ્યમાં સુગમ યાતાયાત માટે આ પ્રયત્નોને મહત્વપૂર્ણ ગણાવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR