પાટણ, 15 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણના રેલવે સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ચાર મહિનાથી પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. રહીશોને માત્ર 20 મિનિટ માટે ઓછા પ્રેશરથી પાણી મળે છે, જેના કારણે પીવાનું તેમજ ઘર વપરાશ માટે પૂરતું પાણી ઉપલબ્ધ નથી, અને લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
સામાન્ય રાહત ન મળતા, સ્થાનિક મહિલાઓએ પ્રથમ પાટણના ધારાસભ્યની ઓફિસે જઈને રજૂઆત કરી હતી. પરંતુ ધારાસભ્યએ આ બાબત નગરપાલિકાની હોવાનું કહી તેમને પાલિકા કચેરી મોકલ્યા હતા. ત્યારબાદ આજે મોટી સંખ્યામાં મહિલાઓએ પાલિકા કચેરીએ જઈ પાણી નહીં તો વેરો નહીં અને હાયરે પાલિકા હાય હાય જેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.
પાલિકા પ્રમુખ સમક્ષ રજૂઆત કરતાં, પ્રમુખે પાણી સમસ્યાના નિરાકરણ માટે ત્રણ દિવસનો સમય માંગ્યો છે. કોંગ્રેસ પાટણ શહેર પ્રમુખ દીપક પટેલે ચેતવણી આપી છે કે જો ત્રણ દિવસમાં ઉકેલ ન આવે, તો રહીશો સાથે મળીને પાલિકા પ્રમુખની ઓફિસ ખાતે આંદોલન કરશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ