પોરબંદર, 15 સપ્ટેમ્બર (હિ.સ.): સૌરાષ્ટ્ર ઝોન (રાજકોટ અને જૂનાગઢ)ની સંયુક્ત કાર્ય શિબિરનો આજે રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે સંયુક્ત માહિતી નિયામક મિતેશ મોડાસિયાના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ પ્રારંભ થયો હતો. ચોમાસામાં પ્રકૃતિ જ્યારે સોળે કળાએ ખીલી છે, ત્યારે ધોરાજી પાસે આવેલા પાટણવાવ ગામમાં ઓસમ ડુંગરની તળેટીમાં બે દિવસીય કાર્યશાળાનો આજે પ્રારંભ થયો હતો.
આ કાર્યશાળામાં સૌરાષ્ટ્ર ઝોનમાં સમાવિષ્ટ જિલ્લા કચેરીઓની કામગીરીની સમીક્ષા સાથે તેમજ સરકારની જનકલ્યાણકારી યોજનાઓની પ્રચાર પ્રસિદ્ધિ વધુ સારી કેવી રીતે કરી શકાય તે અંગેનું ચિંતન કરવામાં આવશે. આપત્તિ વ્યવસ્થાપન સમયે સંપાદકીય કામગીરી, વહીવટી બાબતો અંગેની કુશળતા, મેદસ્વિતા મુક્ત અભિયાન સાથે ઓસમ પર્વતનું આરોહણ અને અવરોહણ, યોગ સહિતના આયામો સાથે સૌરાષ્ટ્ર ઝોનના અધિકારીઓની કાર્યક્ષમતા વધારવા માટેનું મનોમંથન આ બે દિવસીય કાર્યશાળામાં કરવામાં આવનાર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya