જામનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : જરૂરિયાતમંદ નાગરિકોને તેમની અનુકૂળતા મુજબ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ મળી રહે તે માટે ગુજરાતનું સૌપ્રથમ ૨૪-કલાક કાર્યરત કોમન સર્વિસ સેન્ટર (CSC) જામનગરમાં શરૂ થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરથી આ વિશેષ ઈ-સેવા કેન્દ્રનો પ્રારંભ થશે.
આજની વ્યસ્ત જીવનશૈલીમાં, નોકરિયાત અને મધ્યમવર્ગીય પરિવારો માટે ઓફિસના કલાકો દરમિયાન સરકારી સેવાઓ મેળવવા માટે લાઇનમાં ઊભા રહેવું ઘણીવાર મુશ્કેલ હોય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આ સેવા કેન્દ્રના સંચાલકે ૨૪-કલાક સેવાઓ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે.
આ કેન્દ્ર પર પાન કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ જેવા સરકારી દસ્તાવેજો; વીજળી, ગેસ અને ટેલિફોન બિલ તથા LIC પ્રીમિયમ જેવા બિલ પેમેન્ટ; જીવન પ્રમાણપત્ર, વીમા, નેશનલ પેન્શન સ્કીમ અને તમામ પ્રકારની લોન જેવી નાણાકીય સેવાઓ; તેમજ ST, રેલવે અને પ્લેન ટિકિટ બુકિંગ જેવી યાત્રા સંબંધિત સેવાઓ પણ ઉપલબ્ધ છે.
આ ઉપરાંત, ઉદ્યોગ આધાર અને ટેલિ-લો કાનૂની સલાહ જેવી વ્યવસાયિક અને કાયદાકીય સેવાઓ પણ અહીંથી મળી રહેશે. લીમડા લાઈન, શેરી નંબર ૨, ખાતે આવેલું આ કેન્દ્ર શહેરના તમામ નાગરિકો માટે ખુલ્લું રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt