ગાંધીનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.): ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન (IITE) ખાતે આજે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ૭૫ ની થીમ પર આધારિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પ્રધાનમંત્રીના દેશ માટેના અદ્ભુત યોગદાનને સમર્પિત હતા.
આ ભવ્ય ઉજવણીમાં ચિલ્ડ્રન રીસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી.એસ. જોશી, IITE ના કુલપતિ પ્રોફેસર આર.સી. પટેલ, રજીસ્ટ્રાર ડૉ. અનિલ વરસાત, સેન્ટર ઑફ એજ્યુકેશનના ડાયરેક્ટર ડૉ. પ્રેરણા શેલત. તેમજ સમિતિના સભ્યો ડૉ. મેહુલ દવે, ડૉ. રાજેશ રાઠોડ, ડૉ. ભાવેશ રાવલ, જતિન ચાવડા, ડૉ. દિપ્તિ ખન્ના અને ડૉ. દીપકુમાર ત્રિવેદી, સહિત સંસ્થાના અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉજવણીના ભાગરૂપે, આઈ.આઈ.ટી.ઈ. પરિસરમાં અમૃત સ્મૃતિ યાત્રા નામથી ૭૫ મીટર લાંબુ એક ભવ્ય બેનર પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. આ બેનરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જીવનના પ્રવાસ દરમિયાન તેમને કરેલ પ્રયાસના ફળસ્વરૂપે પ્રાપ્ત થયેલ પ્રકાશનું નિરૂપણ કરતી એક સ્મરણ યાત્રા પ્રદર્શિત કરેલ. આ બેનર પર સંસ્થાના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રીજીને જન્મદિવસની શુભકામનાઓ લખી હતી.
આ ઉપરાંત, અમૃત વૃક્ષ ના સંકલ્પને સાકાર કરતા ૭૫ વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું. સંસ્થાના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
ઉજવણીના સમાપન રૂપે, એક ફૂડ કાર્નિવલ ઑફ ઑઈલ લેસ, સોલ્ટ લેસ, સુગર લેસ ૭૫ ડિશીસ બાય આઈ.આઈ.ટી.ઈ.અન્સ શીર્ષક હેઠળ ૭૫ પૌષ્ટિક વાનગીઓનો ફૂડ ફેસ્ટિવલ યોજાયો. આ ફૂડ ફેસ્ટિવલ પ્રધાનમંત્રીજીના સ્વસ્થ ભારત ના સંકલ્પને મૂર્તિમંત કરતો હતો, જેમાં ઓછું તેલ, ઓછું મીઠું અને ઓછી ખાંડ ધરાવતી વાનગીઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. આઈ.આઈ.ટી.ઈ. ના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી કેટલીક લોકપ્રિય અને આરોગ્યપ્રદ વાનગીઓમાં સાત્વિક મોમો (Satvik momo), મૂંગ દાળ ચિલ્લા (Moong dal chilla), પોહા વિથ સ્પ્રાઉટ્સ (Poha with sprouts), મિશ્ર અનાજ સુન્દલ (Mixed grains sundal), મુઠિયા ઢોકળા (Muthiya dhokla), સ્પ્રાઉટ્સ ચાટ (Sprouts Chaat), હેલ્ધી જ્યુસ (Healthy Juices) અને હેલ્ધી હાર્ટ (Healthy Heart) જેવી વાનગીઓનો સમાવેશ થતો હતો, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો અને ઉપસ્થિત સૌએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી, તેમના દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવનની કામના કરી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ