ગાંધીનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.): વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિન નિમિત્તે ગાંધીનગર જિલ્લાની સહકારી મંડળીના સભ્યો દ્વારા વિશેષ પોસ્ટકાર્ડ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવાનો શુભારંભ કરવામાં આવ્યો છે.
પેથાપુર દૂધ ઉત્પાદક મંડળીના સભાસદએ જણાવ્યું હતું, કે પ્રધાનમંત્રીએ સહકારી મંડળીઓ માટે અલગથી વિભાગની સ્થાપના કરી અમારી સમૃદ્ધિનો માર્ગ કંડાર્યો છે. સહકારથી સમૃદ્ધિ અંતર્ગત નાનામાં નાની દૂધ મંડળીને પણ માઈક્રો એ.ટી.એમ આપવામાં આવ્યું છે, તમામ મંડળીઓનું ડિજિટલાઈઝેશન થયું છે ત્યારે આજે પ્રધાનમંત્રીને તેમના જન્મદિને વિશેષ પોસ્ટ કાર્ડ મોકલી અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. સાથે જ દેશની પ્રગતિ માટેના આવા નકકર પગલાંઓ બદલ અમે તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ.
પોસ્ટ કાર્ડ લખી પ્રધાનમંત્રીને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવતાં ચિલોડા સેવા સહકારી મંડળીના સભાસદ જયંતીભાઈએ કહ્યું હતું કે, અમારી સંસ્થા પેક્સ એટલે કે પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળી છે. ભારત સરકારે વિશેષ યોજના દ્વારા દરેક પેક્સને ઈ-પેકસ બનાવી છે, જેનાથી તમામ વ્યવહારો કોમ્પ્યુટરાઈઝ થયા છે. અમારો ઓડિટ પણ ડિજિટલી કરવામાં આવ્યો છે. આ સાથે જ અમને ગોડાઉન, ભારત સરકાર તથા રાજ્ય સરકાર તરફથી મહત્તમ સહાય વગેરે જેવી સુવિધાઓ પણ મળી છે. ત્યારે સહકારી મંડળીઓને આર્થિક ઉન્નતિ તરફ લઈ જવામાં પ્રધાનમંત્રીશ્રીના વિઝન અને પ્રતિબધ્ધતા માટે અમે તેમના આભારી છીએ.
ગાંધીનગર જિલ્લામાં તમામ સહકારી મંડળીઓના સભાસદો દ્વારા પ્રધાનમંત્રીશ્રીને પોસ્ટ કાર્ડ લખી જન્મદિનની શુભેચ્છાઓ તેમજ હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ