પાટણ, 17 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ સિદ્ધપુર પોલીસે સ્ટેશન હદ વિસ્તારમાં મોટી સફળતા હાંસલ કરી છે. LCB સ્ટાફ જ્યારે પાલનપુર-સિદ્ધપુર હાઈવે પર પેટ્રોલિંગમાં હતો, ત્યારે તેમને ગુપ્ત બાતમી મળી કે એક ટેન્કરમાં વિદેશી દારૂ છુપાવીને કડી તરફ લઈ જવામાં આવી રહ્યો છે. તાત્કાલિક ધારેવાડા ચેક પોસ્ટ પાસે નાકાબંધી ગોઠવીને પોલીસે શંકાસ્પદ ટેન્કરને અટકાવ્યું અને તપાસ કરતાં તેની વચ્ચેના ત્રીજા ખાનામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો મળ્યો.
ટેન્કર ચાલક તેજારામ ઘમંડારામ અણદારામ (ઉ.વ. 25, રહે. બાડમેર, રાજસ્થાન)ને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે ટેન્કરમાંથી કુલ 2634 બોટલ/ટીન વિદેશી દારૂ જપ્ત કર્યો, જેના કિંમત ₹6,42,910 થાય છે. સાથે ટેન્કર (કિંમત ₹10 લાખ), મોબાઈલ ફોન ₹5,000નો, જીપીએસ અને ફાસ્ટટેગ કાર્ડ મળી કુલ ₹16,48,410નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આરોપી તેજારામને વધુ કાર્યવાહી માટે સિદ્ધપુર પોલીસને સોંપવામાં આવ્યો છે. કેસમાં અન્ય ત્રણ લોકો સામેલ છે જેમમાં લક્ષ્મણારામ જુજારામ મુંડણ અને ચુનારામ બાબુલાલ જાટ (ટેન્કર માલિક) — બંને બાડમેર, રાજસ્થાનના રહેવાસી છે — તેમજ કડી ખાતે દારૂ મંગાવનાર અજાણ્યો ઈસમ સામેલ છે. પોલીસે ત્રણે વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ