ગાંધીનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.): ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે પંચવટી ફાર્મ ખાતે , ગ્રામ વિકાસ કમિશનરની કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે, રાજય કક્ષાના સ્વચ્છોત્સવ -૨૦૨૫ના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધનના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અને ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની ગરિમામય ઉપસ્થિતિમાં સ્વચ્છતા હી સેવા 2025નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને 75 વર્ષ પૂરાં થવાના અવસરે, આજથી બીજી ઓક્ટોબર,૨૦૨૫ સુધી દેશભરમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ દ્વારા દેશમાં સ્વચ્છોત્સવ ઉજવાઈ રહ્યો છે.
મંત્રીઓની હાજરીમાં જય અંબે સ્વ સહાય જૂથ અને રૂપાલ ગામના સરપંચ વચ્ચે ઘન કચરાના વ્યવસ્થાપન માટે એમઓયુ કરવામાં આવ્યા હતા. પ્લાસ્ટિક ફ્રી ગુજરાત બનાવવા માટેની સમજણ આપતી ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગંદકી કરીશ નહીં અને કરવા દઈશ નહીં એ પ્રકારનો સ્વચ્છતાનો સંકલ્પ ઉપસ્થિત સૌએ લીધો હતો.
રૂપાલ ગામના સ્વચ્છતા કર્મીઓ નટવરભાઈ જાદવ અને પરસોત્તમભાઈ પરમારનું શાલ ઓઢાડીને મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, અન્ય ચાર સફાઈ કર્મીઓને પગનાં બૂટ, હાથનાં મોજાં અને સ્વચ્છતા અંગેની જરૂરી સામગ્રીની કીટ પ્રતીક રૂપે આપવામાં આવી હતી.
ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધનના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીએ આઝાદીની લડત વખતે દેશને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો. વિશ્વનો સૌથી લોકપ્રિય નેતા અને આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીના ગાંધીજીના જન્મદિવસના સમયગાળાને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે. ગામડામાં ખુલ્લામાં શૌચક્રિયા એ દેશની શરમ હતી. ગુજરાતની ગંદકીને દૂર કરવાની શરૂઆત નરેન્દ્ર ભાઈ કરી અને દેશભરમાં 44 લાખ શૌચાલય બનાવીને ગુજરાત પ્રથમ ઓડીએફ જાહેર થયું. ગુજરાત સરકારે આજે ગામેગામ ઇ ગ્રામ રીક્ષા આપી છે. સ્વચ્છતા સેવાઓને વધુ સારી - સુદ્રઢ બનાવી છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે. પર્યાવરણને સુધારવા માટે અને ભારતને હરિયાળું બનાવવા માટેના ભગીરથ પ્રયત્નો વડાપ્રધાનએ કર્યા છે. મહાત્મા ગાંધીના સ્વચ્છતાના કાર્યને એક મિશન તરીકે વડાપ્રધાનશ્રીએ ઉપાડી લીધું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગામના સરપંચોને સફાઈ માટે જે નાણાં પૂરા પાડવામાં આવતા હતા તેમાં વધારો કરી સ્વચ્છતાના કાર્યને વધુ ગતિમાન બનાવ્યું છે. મંત્રીએ ગ્રામ પંચાયતને ઘન કચરાના નિકાલ અને પ્રવાહી કચરાના નિકાલ માટેની વ્યવસ્થાના સરકારી આયોજનનો પૂરતો લાભ લેવા અને તેનો ઉપયોગ કરવા ખાસ વિનંતી કરી હતી. 25 સપ્ટેમ્બરે દીન દયાલ ઉપાધ્યાયની જન્મ જયંતી એ, દેશભરમાં એક દિન, એક ઘંટા, એક સાથ ,સબ સ્વચ્છતા ના કાર્યક્રમમાં ભાગ લેવા અને સફળ બનાવવા અપીલ કરી હતી.
આ અવસરે રૂપાલ ગામના શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનિઓ સ્વચ્છતા અંગેની જનજાગૃતિ માટેની રેલીમાં સ્વચ્છતાના બેનરો સાથે જોડાયા હતા.
મંત્રી રાઘવજી પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે રૂપાલ ગામના તળાવના કિનારા પાસે સોકપિટ(શોષ ખાડા)નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બંને મંત્રીઓ રૂપાલ ગામના તળાવના કિનારાની સાફ - સફાઈ કરી અને અન્ય મહાનુભાવો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. તેમજ એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત મંત્રીઓની સાથે, ગ્રામ વિકાસ વિભાગના કમિશનર અને અગ્ર સચિવ શ્રી મિલિંદ તોરવણે, ગ્રામ વિકાસ વિભાગના અધિક કમિશનર બી એમ પ્રજાપતિ, ગાંધીનગરના કલેક્ટર મેહુલ કે. દવે , જિલ્લા વિકાસ અધિકારી બી.જે. પટેલે પણ વૃક્ષારોપણ કર્યું હતું.
આ વેળાએ ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ, રૂપાલ ગામના સરપંચ વિલાસબેન ચાવડા, ગાંધીનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યઓ, રૂપાલના વરદાયિની માતા મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ, ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનિઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ