સુરત, 17 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવક ગતરોજ લિંબાયતમાં કેશવ નગર સોસાયટી પાસેથી પસાર થતો હતો ત્યારે બે માથાભારે ઈસમોએ તેને અટકાવી માર મારી ચપ્પુ બતાવી તેની પાસેથી રોકડા રૂપિયા 32,500 પડાવી લીધા હતા અને બાદમાં આ વાતની જાણ કોઈને કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર યુવકે આ મામલે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતના લિંબાયત વિસ્તારમાં આસપાસ નગરમાં રહેતા અમુલ સંભાજી શેરચાટ મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ તે ખિસ્સામાં રોકડા રૂપિયા 32,500 લઈને કામ અર્થે નીકળ્યો હતો. રાત્રે 7:30 વાગ્યાના અરસામાં અમોલ લિંબાયતમાં ઋષિકેશ એન્ક્લેવ પાસે ગ્રાઉન્ડ પાસેથી પસાર થતો હતો ત્યારે સાગર ઘોડા નામનો માથાભારે ઈસમ ભેટી ગયો હતો અને સાગરે પોતાની પાસેનું ચપ્પુ કાઢી અમલને બતાવી ખિસ્સામાંથી બળજબરીથી પૈસા કાઢવાની કોશિશ કરી હતી પરંતુ અમોલ તેને ધક્કો મારી ત્યાંથી ભાગી ગયો હતો. અમોલ લીંબાયતમાં આવેલ કેશવ નગર સોસાયટી પાસે દેવનારાયણ કિરાણા સ્ટોર પાસેથી પસાર થતો હતો ત્યારે સાગર ઘોડાનો મિત્ર કૈલાશ ઉર્ફે કેલીયા ત્યાં આવી ગયો હતો અને અમોલને પકડી તુજે સાગરને રૂકને કો બોલા તુ ક્યુ વહાં સે ભાગા તેમ કહીને તેને માર માર્યો હતો અને પોતાની પાસેનું ચપ્પુ કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી તેની પાસેથી રોકડા રૂપિયા 32,500 ની લૂંટ કરી હતી. એટલું જ નહીં પરંતુ બાદમાં અગર યે બાદ કિસી કો બતાવી તો તુજે જાન સે માર દુંગા કેમ કહીને ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર ઈસમે આ મામલે લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કૈલાશ ઉર્ફે કેલીયા અને સાગર ઘોડા સામે લુટ નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે