પોરબંદર, 18 સપ્ટેમ્બર (હિ.સ.): ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ દ્વારા ગાંધીનગર સ્થિત દ્વારકા હોલ, સ્વર્ણિમ સંકુલ-2 ખાતે “ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ્સ 2025-26” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ગ્રીન પોરબંદર ટીમ મેમ્બર પિયુષભાઈ માજીઠીયાને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે આ સન્માન પ્રાપ્ત કરી પોરબંદરનું ગૌરવ વધાર્યું છે. પોરબંદર શહેરમાં રામદેવભાઈ મોઢવાડીયા અને પ્રવીણભાઈ ખોરાવાના માર્ગદર્શન હેઠળ, કો-ઓર્ડીનેટર ધર્મેશભાઈ પરમાર તથા સમગ્ર ટીમના સહયોગથી અત્યાર સુધીમાં 10,000થી વધુ વૃક્ષારોપણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે.
આવનારા સમયમાં વધુમાં વધુ 5,000 વૃક્ષોનું રોપણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ અભિયાનને સદભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી આગળ ધપાવવામાં આવ્યું છે. હરિયાળો પોરબંદર બનાવવાની દિશામાં આ પહેલને સમગ્ર ગુજરાત માટે પ્રેરણાદાયી ગણાવી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya