સોલાર પ્લાન્ટને લઇને પાણીની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનને નુકશાન થવાની ભીતિ
ખેડૂતોએ લેખિત અરજી કરી 40 ખેડૂતોની સહી સાથે ઝઘડિયા પ્રાન્ત અધિકારીને આવેદન પાઠવ્યું
ઉકાઇ કેનાલમાંથી પાણી લેવા માટેની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન સોલારના પાઈલિંગથી તુટી જાય તેમ છે
ગામની 281 એકર જેટલી જમીનને મળતું પાણી બંધ થતાં જમીન પાણી વગરની બંજર બની જાય તેમ છે
ભરૂચ 19 સપ્ટેમ્બર (હિ.સ.)
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ઘોડા ગામની જમીનમાં નવા બનનારા સોલાર પ્લાન્ટનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હોવાની વિગતો સામે આવી છે. સોલાર પ્લાન્ટ બનતા તેને લઇને ખેતી માટે બનાવેલ પાણીની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન તુટી જવાની સંભાવના રહેલી હોય ઘોડા, જોલી તેમજ કરા ગામના ખેડુતોએ આજે ઝઘડિયા પ્રાન્ત અધિકારીને આવેદન આપીને સોલાર પ્લાન્ટ બનાવાય તે બાબતે વિરોધ વ્યક્ત કર્યો હતો.
ખેડૂતોએ જણાવ્યું હતું કે કેપીઆઇ સોલાર એનર્જી ગ્રુપ દ્વારા ગામની 140 એકર જમીનમાં સોલાર પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે.સોલાર પ્લાન્ટ બનતા ગામના 15 જેટલા ખેડૂતોએ જમીનમાં કરેલ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન તુટવાની સંભાવના રહેલી છે.આમ ગામની 281 એકર જેટલી જમીનને મળતું પાણી બંધ થતાં જમીન પાણી વગરની બંજર બની જાય તેમ છે .આથી દેખીતી રીતે તેની અસરથી ખેડૂતોને મોટું આર્થિક નુકશાન ભોગવવું પડે એમ જણાવીને ખેડૂતો દ્વારા કેપી સોલાર પ્લાન્ટ બનાવાય રહ્યો છે તે બાબતનો આવેદનમાં વિરોધ કરવામાં આવ્યો હતો.ખેડૂતો દ્વારા આવેદનમાં માંગ કરવામાં આવી હતી કે સોલાર પ્રોજેક્ટ અંતર્ગત પાઇલીંગ થવાથી ઉકાઇ કેનાલમાંથી પાણી લેવા માટેની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન તુટી જાય,તેથી આ જમીનને એનએ જાહેર ન કરાય અને સદર સોલાર પ્રોજેક્ટ રદ કરવામાં આવે એવી માંગણી ખેડૂતો દ્વારા આવેદનમાં કરવામાં આવી હતી. ખેડૂતોની માંગણી માટે તાત્કાલિક પગલા ન લેવાય તો ખેડૂતોએ તેમના હક્ક માટે કાનુની માર્ગ અપનાવવો પડશે અને કાયદેસર કાર્યવાહી કરી આખરે આંદોલન કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ