જામનગર, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : રાજ્યના સહકાર મંત્રી જગદીશ ભાઈ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને જામનગર વાસા વિરા લેઉઆ પટેલ સમાજ ખાતે સહકાર થી સમૃદ્ધિ અંતર્ગત સહકારી સંસ્થાઓનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં સાંસદશ્રી પૂનમબેન માડમ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ સેમિનારમાં વિવિધ સહકારી મંડળીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ પહેલ અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે જામનગર જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી અને પહેલ થકી સારી આવક મેળવનાર સહકારી મંડળીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ મંડળીઓના પ્રમુખ સાથે તેમણે સંવાદ કર્યો હતો.
આ બેઠકમાં સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગવી પહેલથી ભારતમાં નવીન સહકારિતા મંત્રાલયના નિર્માણ બાદ પ્રથમ સહકારિતા મંત્રી તરીકે શ્રી અમિતભાઈ શાહની આગેવાનીમાં દેશમાં સહકારિતા ક્ષેત્રે અનેકવિધ નવા પ્રકલ્પો શરૂ થયા છે.
સહકાર મંત્રાલયએ ટૂંકા ગાળામાં સહકારી ક્ષેત્રે અનેક અસરકારક ઈનિશ્યેટીવ્ઝ લીધા છે. ૨૦૨૫નું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે “કો-ઓપરેટિવ બિલ્ડ ધ બેટર વર્લ્ડ”ની થીમ સાથે ઉજવાઈ રહ્યું છે. છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવામાં સહકારી ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે.
આત્મનિર્ભરતા માટે આપણે સહકારી મંડળીઓ, સ્વ સહાય જૂથોની મંડળીઓ દ્વારા બનાવાયેલી ચીજ વસ્તુઓ ખરીદીને આત્મનિર્ભર ભારત સાથે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલને વેગ આપી શકીએ. જિલ્લાનું સહકારી માળખું વધુ મજબૂત બનાવવા ગામોની સહકારી મંડળીને માઇક્રો એટીએમ વિનામૂલ્યે આપવાનો નિર્ણય લેવાયો છે. આથી ગામડાના ખેડૂત કે દૂધ ઉત્પાદકોને નાણાકીય લેવડ દેવડ માટે જિલ્લા મથકે ધક્કા ખાવા પડતાં નથી .
સહકાર વિભાગનો મુખ્ય ઉદ્દેશ દેશમાં સહકારી પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવી, દરેક ગામ સુધી આ પ્રવૃત્તિઓનો વિસ્તાર કરવો તથા સહકાર આધારિત ઇકોનોમીનું એક એવું મોડલ તૈયાર કરવાનો છે, જેમાં સહકારી સંસ્થાનો દરેક સભ્ય જવાબદારીની ભાવના સાથે સક્રિયપણે યોગદાન આપે.
આ ઉદ્દેશને ચરિતાર્થ કરવા માટે કેન્દ્ર સરકારની PACS -પ્રાકૃતિક કૃષિ ધિરાણ મંડળીઓ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે, જ્યાં કો-ઓપરેટિવ એક્ટિવિટી સાથે જોડાયેલા લોકોના સૌથી વધુ એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. ખેતી અને પશુપાલન હશે તો ગામડાઓ મજબૂત બનશે. અને ગામડાઓ મજબૂત બનશે તો દેશ મજબૂત બનશે.
આ ઉપરાંત તેમણે પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધી તેના દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ કરી આત્મનિર્ભર અને વોકલ ફોર લોકલના સૂત્રને ખરા અર્થમાં સાકાર કરવા જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt