સુરત, 18 સપ્ટેમ્બર (હિ.સ.): મોટા વરાછા રાજહંસ ટાવર પાસે ખાલી ડીશને લઈને થયેલા ઝઘડામાં મોસંબીના વેપારીને સોની બંધુ સહિત છ જણાઍ લાકડાના ફટકાથી ઢોર મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મોટા વરાછા ગામ, વોરાજી ફળિયુ ખાતે રહેતા અમીન રહીમભાઈ ગનીયાણી (ઉ.વ.29) મોટા વરાછા રાજહંસ ટાવર પાસે મોસંબીનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે રાત્રે પોણા બારેક વાગ્યે તેઓ તેમના મિત્ર હરપાલ મહેન્દ્ર મસાણી સાથે મોટા વરાછા કબ્રસ્તાન સર્કલ પાસે સાગર મનબહાદુર સોનીની ચાઈનીઝની લારીઍ ખાલી ડીસ દેવા માટે ગયો હતો અને તેના કારીગર વિશાલ પાસે ડીસ માંગતા તેણે તમે અમારી ડીસ પરત આપતા નથી અને ખોઈ નાખો છો તેમ કહેતા બોલાચાલી થઈ ઝઘડો થયો હતો જાકે બંને વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું. ત્યારબાદ અમીન અને હરપાલ રાજહંસ ટાવર પાસે આવેલ બીઆરટીઍસ બસ સ્ટેશન પાસે જમવા બેઠા હતા તે વખતે સાગર મનબહાદુર, તેના બે ભાઈ તેમજ ત્રણ અજાણ્યાઓ આવ્યા હતા જેમાં સાગરે અમીનને તને ડિસ લેવા જવાની ના પાડી નથી હવે ડિસ લેવા ના આવ તેમ કહી ગાળાગાળી કરી કોલર પકડ્યું હતું અને તેના સાગરીતોઍ લાકડાના ફટકાથી તેમજ ઢીકમુક્કીનો મારમાર્યો હતો. તેમજ ધક્કો મારતા બીઆરટીઍસના લોખંડના ઍગલ સાથે ભટકાયો હતો. આરોપીઓઍ અમીનને હવે પછી અમારી લારીઍ આવતો નહી નહીતર જાનથી મારી નાંખીશુ તેવી ધમકીઓ આપી હતી. બનાવ અંગે પોલીસે અમીનની ફરિયાદ લઈ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે