પાટણ, 18 સપ્ટેમ્બર (હિ.સ.)નવરાત્રિના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના બજારોમાં ચણીયાચોળી, કેડીયુ, મોજડી અને ટ્રેડિશનલ કપડાં સહિતની નવરાત્રિ સંબંધિત ચીજવસ્તુઓનું વેચાણ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મહોલ્લા, પોળો અને સોસાયટીઓમાં આયોજકો દ્વારા ચાચર ચોકને સજાવવાની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે.
પાટણ શહેરમાં કોમર્શિયલ ધોરણે ગરબા મહોત્સવ યોજવા માટે ત્રણ અરજીઓ પ્રાંત કચેરીમાં આવી છે. જેમાં પટેલ હર્ષ દ્વારા ખોડા ભા હોલ ખાતે 'હેરિટેજ ગરબા', ભાવેશકુમાર બિપીનચંદ્ર ત્રિવેદી દ્વારા માધવ ફાર્મ ખાતે 'બોલિવૂડ ધમાલ' અને શિવમ પટેલ દ્વારા પાંજરાપોળ મેદાન ખાતે રોટરેક્ટ ક્લબ આયોજિત 'રણકાર ગરબા' માટે મંજૂરી માંગવામાં આવી છે.
જોકે, વહીવટી તંત્ર દ્વારા હાલમાં એક પણ કોમર્શિયલ ગરબા આયોજકને મંજૂરી આપવામાં આવી નથી. પ્રાંત અધિકારીની મંજૂરી માટે આવેલી અરજીઓ પર વિવિધ વિભાગોના અભિપ્રાયો લેવામાં આવી રહ્યા છે. જેમાં લાઉડસ્પીકર માટે મામલતદાર, કાયદો અને વ્યવસ્થા માટે સ્થાનિક પોલીસ, ફાયર સેફ્ટી માટે નગરપાલિકા, તેમજ સ્ટેજ અને અન્ય સુવિધાઓ માટે R&B અને UGVCL જેવા તંત્રોના અભિપ્રાયો જરૂરી છે. તમામ અભિપ્રાયો મળ્યા બાદ જ અંતિમ મંજૂરી આપવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ