જામનગર, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : ચોમાસાની ઋતુ બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા જામનગર જિલ્લામાં વિવિધ માર્ગોના સમારકામની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ચોમાસા દરમિયાન રોડને થયેલા નુકસાનને ઝડપથી દૂર કરીને વાહનવ્યવહારને સુગમ બનાવવા માટે વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઈ છે.
માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર વિજય ગૌસ્વામીના જણાવ્યા અનુસાર પોસ્ટ-મોન્સૂન કામગીરીમાં રોડની બંને બાજુ ઉગી નીકળેલા ઘાસ અને ઝાડી-ઝાંખરાને દૂર કરીને રસ્તો અને સાઈડપટ્ટી સ્પષ્ટ બનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત, ચોમાસામાં પાણી ભરાવાથી કે અન્ય કારણોસર રોડ પર પડેલા ખાડાઓનું પેચવર્ક પણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.
જામનગર-સમાણા રોડ, જામજોધપુર-ગીંગણી-સીદસર રોડ અને જામનગર-લાલપુર રોડ જેવા મુખ્ય માર્ગો પર આ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. રોડ પરના માર્કિંગ જેમ કે ગેરુ, ચૂનો, વ્હાઈટવોશ અને સાઈનબોર્ડને ફરીથી સ્પષ્ટ બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે, જેથી રાત્રિ દરમિયાન વાહન ચલાવવામાં સરળતા રહે.
રોડ ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના બ્રિજ અને અન્ય માળખાકીય સુવિધાઓના સમારકામની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. ચોમાસામાં બ્રિજને થયેલું સામાન્ય નુકસાન અને અન્ય જાળવણીના કામો પણ હાથ ધરવામાં આવ્યા છે.તેઓએ વધુમાં જણાવ્યું કે, તમામ કામગીરી ગુણવત્તાયુક્ત અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt