રાધનપુરમાં ખુલ્લી ગટરમાં પડવાથી મહિલાનું કરુણ મૃત્યુ: તંત્ર સામે રોષ
પાટણ, 18 સપ્ટેમ્બર (હિ.સ.): રાધનપુર શહેરના મસાલી રોડ પર આવેલી સરસ્વતી નગર સોસાયટીમાં ખુલ્લી ગટરમાં પડવાથી 57 વર્ષીય નર્મદાબેન બિપિનભાઈ પ્રજાપતિનું કરુણ અવસાન થયું છે. તેઓ સોમવારની સવારે દૂધના પૈસા ચૂકવીને પરત ફરી રહ્યા હતા, ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી
રાધનપુરમાં ખુલ્લી ગટરમાં પડવાથી મહિલાનું કરુણ મૃત્યુ: તંત્ર સામે રોષ


પાટણ, 18 સપ્ટેમ્બર (હિ.સ.): રાધનપુર શહેરના મસાલી રોડ પર આવેલી સરસ્વતી નગર સોસાયટીમાં ખુલ્લી ગટરમાં પડવાથી 57 વર્ષીય નર્મદાબેન બિપિનભાઈ પ્રજાપતિનું કરુણ અવસાન થયું છે. તેઓ સોમવારની સવારે દૂધના પૈસા ચૂકવીને પરત ફરી રહ્યા હતા, ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) દ્વારા બનાવવામાં આવેલી અને લાંબા સમયથી ખુલ્લી રહેલી ગટરમાં અચાનક પડી ગયા હતા. માથામાં ગંભીર ઈજાને પગલે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને રોષની લાગણી પ્રસરી છે.

સોસાયટીના રહીશો અને સ્થાનિક લોકોએ તંત્ર તેમજ હાઈવે ઓથોરિટી પર ગંભીર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. લોકોએ જણાવ્યું હતું કે તેઓ અનેક વખત રજૂઆતો કરવા છતાં ખુલ્લા ગટરો ઢાંકવામાં ન આવતા આ દુર્ઘટના બની છે. નગરસેવક જયાબેન ઠાકોરે પણ આ ઘટનાને પગલે જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ કરવાની માગ કરી છે.

મૃતક નર્મદાબેનનો પરિવાર ગરીબી રેખા નીચે જીવન જીવે છે અને તેમના અચાનક અવસાનથી પરિવારે મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. સ્થાનિક રહેવાસીઓ તેમજ પડોશીઓએ પરિવારને ન્યાય અને વળતર આપવા માટે તંત્રને અપીલ કરી છે. સાથે સાથે મસાલી રોડ સહિત શહેરના તમામ ખુલ્લી ગટરો તાત્કાલિક ઢાંકી દેવા, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. આ દુર્ઘટના ખુલ્લી ગટરોના પ્રશ્ન સામે ચેતવણીરૂપ બની છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande