ગણેશપુરામાં વેરા મુદ્દે વિવાદ, તલાટીએ પોલીસ ફરિયાદ નોંધાવી
પાટણ, 20 સપ્ટેમ્બર (હિ.સ.): સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામમાં વેરા વસૂલાતના મુદ્દે તલાટી કમ મંત્રી કનુભાઈ ચૌધરી અને ગામના હર્ષદભાઈ વચ્ચે તંગદિલી સર્જાઈ હતી. 1 જુલાઈ 2025ના રોજ હર્ષદભાઈએ તલાટીને ફરજ દરમિયાન ગાળાગાળી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી
ગણેશપુરામાં વેરા મુદ્દે વિવાદ, તલાટીએ પોલીસ ફરિયાદ નોંધાવી


પાટણ, 20 સપ્ટેમ્બર (હિ.સ.): સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામમાં વેરા વસૂલાતના મુદ્દે તલાટી કમ મંત્રી કનુભાઈ ચૌધરી અને ગામના હર્ષદભાઈ વચ્ચે તંગદિલી સર્જાઈ હતી. 1 જુલાઈ 2025ના રોજ હર્ષદભાઈએ તલાટીને ફરજ દરમિયાન ગાળાગાળી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હર્ષદભાઈએ એડવાન્સ વેરા બાબતે વાંધો ઉઠાવતા તલાટીએ નિયમ મુજબ સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ તેના બદલે વિડીયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો.

આ વિડીયો વાયરલ થયા બાદ હર્ષદભાઈએ અન્ય ગામલોકોને પણ વેરો ન ભરવા માટે ઉશ્કેર્યા હતા. પરિણામે ગામમાં વેરા વસૂલાતમાં 13 ટકા સુધીનો ઘટાડો નોંધાયો. વધુમાં, 22 જુલાઈના રોજ તલાટી જ્યારે ખોલવાડા ગામની રાત્રિ ગ્રામસભા બાદ પરત ફર્યા ત્યારે જાણવા મળ્યું કે તેમનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયા ગ્રુપ્સમાં ફેલાવવામાં આવ્યો છે.

તલાટીએ સમગ્ર ઘટનાની વિગતો સિદ્ધપુર પોલીસ મથકે આપીને ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, આ પ્રકારના કૃત્યો તેમની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા તેમજ કાયદેસરની કામગીરીમાં અવરોધ ઊભો કરવા માટે કરવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande