અમરેલી, 20 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઘામેલ ગામના વતની અને દેશની સેવામાં તત્પર આર્મીના જવાન મેહુલભાઈ ભરવાડ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયા હતા. તેમના શૌર્ય અને શહાદતને સલામ કરવા માટે આજે ઘામેલ ગામમાં તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.
શહીદના પાર્થિવ દેહને સૌપ્રથમ દામનગરની એમ.સી. મહેતા હાઈસ્કૂલમાં જનતા દર્શન માટે રાખવામાં આવ્યો હતો, જ્યાં સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, મહેશભાઈ કસવાળા, જનકભાઈ તળાવીયા, જે.વી. કાકડિયા સહિતના અગ્રણીઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. પછી શહીદની અંતિમ યાત્રા દામનગરથી ઘામેલ તરફ આગળ વધતા હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. ‘શહીદ મેહુલભાઈ અમર રહો’ અને ‘ભારત માતા કી જય’ના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ઘામેલ પહોંચ્યા બાદ ગામલોકો અને શહીદના પરિવારજનોે ભારે હૈયે અંતિમ દર્શન કર્યા હતા. શહીદ મેહુલભાઈને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કરવામાં આવ્યા બાદ પૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી.
ધારાસભ્ય મહેશ કસવાલાએ કહ્યું કે – “મેહુલભાઈની શહાદત સમગ્ર સૌરાષ્ટ્ર માટે ગૌરવની વાત છે. દેશની રક્ષા માટે પોતાનું જીવન અર્પણ કરનાર આ જવાનને પૂરેપૂરો સન્માન મળશે અને સરકાર તરફથી પણ પરિવારને જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.”
શહીદના મિત્ર મહાવીરસિંહ ગોહિલે ભાવુકતા સાથે જણાવ્યું – “મેહુલભાઈ હંમેશા દેશસેવા માટે સમર્પિત હતા. તેમની ખોટ અમને ક્યારેય પૂરી નથી થઈ શકતી, પણ તેમનો આત્મવિશ્વાસ અને દેશપ્રેમ યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.”
શહીદ મેહુલભાઈ ભરવાડની શહાદતથી ઘામેલ ગામ સહિત સમગ્ર વિસ્તારમાં એક તરફ ગર્વની લાગણી તો બીજી તરફ શોકનો માહોલ છવાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai