લાઠી તાલુકામાં ધોધમાર વરસાદ, ચેકડેમો છલકાયા, ખેડૂતોના ચહેરા પર ખુશી
અમરેલી, 20 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગઈકાલે સાંજથી શરૂ થયેલો વરસાદ મોડી રાત્રિ સુધી ચાલુ રહ્યો હતો. લાઠી શહેર ઉપરાંત ટોડા, કેરીયા, શેખ પીપરીયા, હરસુરપુર અને દેવળીયા સહિતના ગામોમા
લાઠી તાલુકામાં ધોધમાર વરસાદ, ચેકડેમો છલકાયા – ખેડૂતોના ચહેરા પર ખુશી


અમરેલી, 20 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગઈકાલે સાંજથી શરૂ થયેલો વરસાદ મોડી રાત્રિ સુધી ચાલુ રહ્યો હતો. લાઠી શહેર ઉપરાંત ટોડા, કેરીયા, શેખ પીપરીયા, હરસુરપુર અને દેવળીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદથી આખો વિસ્તાર હરિયાળો થઈ ઉઠ્યો છે અને ચેકડેમો, તળાવો છલકાયા છે.

ખાસ કરીને લાંબા સમયથી વરસાદ ન પડવાથી ચિંતિત ખેડૂતોને હવે હાશકારો થયો છે. મગફળી, બાજરી, જુવાર, મકાઈ અને તલ જેવા મુખ્ય પાકોને આ વરસાદથી નવી તાજગી મળી છે. ખેડૂતો જણાવે છે કે આ વરસાદ પાકની વૃદ્ધિ માટે જીવદાતા સાબિત થશે. સાથે જ પાણીના સ્ત્રોતો ભરાઈ જતા હવે ખેડૂતોને શિયાળું પાક પણ લેવા માટે પાણીની તકલીફ નહીં રહે. ચેકડેમો છલકાવાની દૃશ્યો જોતા ગ્રામજનોમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે.

લાઠીના ખેડૂત ભરતભાઈ ચાંદપરાએ જણાવ્યું કે, “આ વરસાદે અમને નવી આશા આપી છે. મગફળી સહિતના પાકોમાં તંદુરસ્તી આવી જશે. તળાવો અને ચેકડેમો છલકાતા પાણીનો સારો જથ્થો સંગ્રહ થયો છે. હવે શિયાળાની વાવણી માટે પાણી મળશે એટલે ખેડૂતોને ડબલ લાભ થશે.”

આ વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક સાથે કૃષિ પરિસ્થિતિમાં સકારાત્મક ફેરફાર આવ્યો છે. ખેડૂતોના ચહેરા પર ખુશી સાથે ગામડાઓમાં હર્ષનો માહોલ વ્યાપી ગયો છે. લાઠી સહિતના વિસ્તારોમાં પડેલો આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande