અમરેલી,, 20 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી શહેર અને આસપાસના વિસ્તારો માટે જીવનદાયી ગણાતો ઠેબી ડેમ આખરે છલકાયો છે. ઉપરવાસ વિસ્તારમાં પડેલા સારા વરસાદના કારણે ઠેબી ડેમમાં પાણીની સતત આવક થતાં આજે ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. પરિણામે પાણીનો દબાણ નિયંત્રિત કરવા માટે તંત્ર દ્વારા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. અધિકારીઓએ માહિતી આપી કે દરવાજો આશરે 3 ફૂટ જેટલો ખોલાયો છે જેથી નિયંત્રિત રીતે પાણીનો નિકાલ થઈ શકે.
ઠેબી ડેમનો દરવાજો ખોલાતા નદીના પટ્ટમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. તેથી જ તંત્રએ નીચાણવાળા ગામોને એલર્ટ કરી દીધા છે અને સાવચેત રહેવા સૂચના આપી છે. સાથે જ નદીના પટ્ટમાંથી અવરજવર ન કરવા કડક મનાઈ ફરમાવવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ગામલોકોને જરૂરી સૂચનાઓ પહોંચાડવામાં આવી રહી છે.
ઠેબી ડેમ ભરાઈ જતાં અમરેલી શહેર સહિત આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી રહેલી પીવાના પાણીની સમસ્યાઓ હળવી થવા જઈ રહી છે. નગરજનો માટે આ સમાચાર ખુશીના પળ સમાન છે. પાણીની સગવડ મળતાં આગામી મહિનાઓ માટે શહેરમાં પાણી પુરવઠો સરળ બનશે. ડેમ છલકાવાના દૃશ્યો જોવા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. લોકો પરિવાર સાથે ડેમ જોવા પહોંચ્યા છે. તંત્ર તરફથી લોકોને ભીડ ન કરવા અને સુરક્ષા નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
અમરેલીની જીવાદોરી કહેવાતા ઠેબી ડેમના છલકાવાથી ખેડૂતો અને નગરજનો બંનેમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે. હવે પૂરતો પાણીનો જથ્થો મળતા આવનારા દિવસોમાં શહેરને પાણીની કમીનો સામનો કરવો નહીં પડે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai