પાટણ, 20 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ-ડીસા રોડ પર પાલડી બસ સ્ટેન્ડ નજીક એક દુર્ભાગ્યપૂર્ણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. સરસ્વતી તાલુકાના વામૈયા ગામના મંગાજી બચુજી ઠાકોર બાઈક પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર બેઠેલા રખડતા પશુઓના કારણે તેઓ અકસ્માતનો શિકાર બન્યા. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આ વિસ્તારમાં રખડતા ગાયો અને આખલાઓની સમસ્યા લાંબા સમયથી છે. તેઓએ તંત્રને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે માર્ગ પર સતત જોખમ વધતું જાય છે.
આ બેદરકારીને કારણે આજે એક નિર્દોષ યુવાને જીવ ગુમાવવો પડ્યો છે. જો તંત્ર સમયસર પગલાં નહીં લે તો ભવિષ્યમાં આવા વધુ અકસ્માતોની શક્યતા નકારી શકાતી નથી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ