પોરબંદર, 28 સપ્ટેમ્બર (હિ.સ.): વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેવા અભિયાન અંતર્ગત “સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન” અંતર્ગત પોરબંદર જિલ્લાના મોઢવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં મોઢવાડા તથા આજુબાજુના ગામોના 290 થી વધુ લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓ મેળવી હતી. કેમ્પ દરમિયાન કાન-નાક-ગળા (ENT), આંખોની તપાસ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, દાંતની સારવાર, કેન્સર સ્ક્રીનિંગ, ટીબી પરીક્ષણ, સગર્ભા સ્ત્રીઓ માટે પ્રસૂતિ પહેલાની તપાસ તથા રસીકરણ સેવાઓ જેવી અગત્યની તપાસ-સેવાઓ પૂરી પાડવામાં આવી. ઉપરાંત લાભાર્થીઓ માટે આયુષ્માન ભારત કાર્ડ બનાવી આપવાની સેવા પણ સુનિશ્ચિત કરવામાં આવી હતી.આ સમગ્ર કેમ્પમાં જી.એમ.ઈ.આર.એસ હોસ્પિટલ, પોરબંદરના તબીબી તજજ્ઞો અને સ્ટાફ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી. ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધ નાગરિકોએ આ કેમ્પથી વિશાળ પ્રમાણમાં લાભ લીધો.ઉલ્લેખનીય છે કે આરોગ્ય તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સુલભ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. આવી આરોગ્ય ચકાસણી કેમ્પો દ્વારા ગામડાના સામાન્ય લોકો સુધી સમયસર સારવાર તથા આરોગ્ય જાગૃતિ પહોચાડવામાં આવી રહી છે. અને સરકારના આરોગ્યક્ષેત્રના સક્રિય અભિગમને કારણે આજે ગામડાના લોકો પોતાનાં ઘરઆંગણે જ નિષ્ણાત ડૉક્ટરોની સેવાઓ મેળવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya