સુરત, 28 સપ્ટેમ્બર (હિ.સ.): મહુવા તાલુકાના વહેવલ
ગામમાં ગઈ કાલે તા.27મીએ રાત્રે આવેલા વાવાઝોડાના કારણે આશરે 50 થી 55 કાચા ઘરોના
નળિયાં, છાપરા ઉડવા
સાથે નુકસાન થયું છે. કોઈ ઈજાગ્રસ્ત કે જાનહાનિ થઈ નથી. તાલુકા વહીવટીતંત્ર દ્વારા
સ્થળ પર સરવેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વહીવટીતંત્રએ રાત્રિએ વાવાઝોડા
બાદ તત્કાલ રાહત કામગીરી શરૂ કરી દીધી હતી. ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ સ્થળ
મુલાકાત કરી તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી.
અસરગ્રસ્તોની મુલાકાત દરમિયાન ધારાસભ્ય મોહનભાઈએ જણાવ્યું હતું કે, વહેવલ ગામમાં વાવાઝોડાથી થયેલા નુકસાન સંદર્ભે પદાધિકારીઓ, મામલતદાર, તા.વિકાસ
અધિકારી, પોલીસ વિભાગ
સહિત સ્થાનિક તંત્રના અધિકારીઓની ટીમ ખડેપગે છે. જરૂરિયાત ધરાવતા અસરગ્રસ્ત
ગ્રામજનો માટે રહેવા, ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. નુકસાનીને ધ્યાને લેતા સર્વે બાદ રાજ્ય
સરકાર દ્વારા ગ્રામજનોને રાજ્ય સરકારની મહત્તમ આર્થિક સહાય મળે એવા અમારા પ્રયાસો
રહેશે એમ તેમણે કહ્યું હતું.
મામલતદાર બી.વી. પટેલે જણાવ્યું
હતું કે, નવસારી
જિલ્લાના વાંસદા તાલુકાના સિણધઈ ગામ તરફથી રાત્રે આવેલા વાવાઝોડાના કારણે વહેવલ
ગામના ઉપલું ફળિયું અને અટવાડા ફળિયામાં અંદાજે 50 થી 55 કાચા ઘરોની દીવાલો
ધરાશાયી થઈ છે, છાપરા, નળિયા ઉડવાથી
ઘરો ક્ષતિગ્રસ્ત થયા છે. સાયક્લોનના રૂટ પરના વૃક્ષો અને ઇલેક્ટ્રિક પોલ પડી ગયા
છે. વીજ પોલની મરામત અને વીજ પ્રવાહ પૂર્વવત કરવા માટે ડીજીવીસીએલ ની ટીમ કાર્યરત
છે. તાલુકા પંચાયતની ટીમ દ્વારા આજે 28મી સાંજ સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી
દેવામાં આવશે. સેવાભાવી દાતાઓ દ્વારા તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત પરિવારોને રાશન
કીટસ આપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે