ડાંગ, 28 સપ્ટેમ્બર (હિ.સ.): ડાંગ જિલ્લામાં ગાજવીજ અને તોફાની પવન સાથે મુશળધાર વરસાદ વરસતા પરિસ્થિતિ વિકટ બની છે. સતત વરસતા વરસાદથી અંબિકા, ખાપરી, પૂર્ણા, ગીરા અને ધોધડે નદીઓ ભયજનક સપાટી પાર કરી ગઈ હતી. પરિણામે, 25થી વધુ કોઝવે પાણીમાં ગરક થઈ જતાં 50થી વધુ ગામોના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વરસાદી તોફાન સાથે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા, માટીનો મલબો અને ભેખડ ધસી પડ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. વઘઈનો ગીરા ધોધ અને ગીરમાળનો ગીરા ધોધ સતત વરસતા વરસાદને કારણે મનોહર દ્રશ્ય પેદા કરી રહ્યા છે, પરંતુ ઉભા પાકો જમીન પર પડી જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.
જિલ્લા માર્ગો પર પણ વરસાદે કહેર વરસાવ્યો છે. અનેક જગ્યાએ કાટમાળ ભરાયા છતાં, રાજ્ય ધોરીમાર્ગ વિભાગ, જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ અને વન વિભાગની ટીમો તાત્કાલિક કાર્યવાહી કરી માર્ગોને યાતાયાત માટે ફરી શરૂ કરવામાં સફળ રહી છે.
છેલ્લા 24 કલાકનો વરસાદી આંકડો (ડાંગ જિલ્લો):
સુબિર પંથક: 111 મિમી (4.44 ઈંચ)
વઘઈ પંથક: 115 મિમી (4.6 ઈંચ)
આહવા પંથક: 134 મિમી (5.36 ઈંચ)
સાપુતારા પંથક: 204 મિમી (8.16 ઈંચ)
ડાંગ જિલ્લાના અનેક વિસ્તારોમાં હજી વરસાદી સ્થિતિ યથાવત છે અને તંત્ર એલર્ટ પર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે