વલસાડ, 28 સપ્ટેમ્બર (હિ.સ.): વલસાડ જિલ્લામાં શનિવાર રાત્રે અચાનક તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. વરસાદ અને વાવાઝોડાને કારણે નવરાત્રીના ઉત્સવમાં પણ ખલેલ પડી હતી.
વલસાડના કલેક્ટર બંગલા નજીક ઓફિસર કોલોની પાસે એક વિશાળ વૃક્ષ ધરાશાયી થતા ત્યાં પાર્ક કરેલી કારોને નુકસાન થયું. તિથલ રોડ ઉપર પાણી ભરાઈ ગયું અને અનેક વૃક્ષો ધરાશાયી થતા માર્ગ અવરોધાયા. જોકે પાલિકા અને વીજ વિભાગની ટીમો આખી રાત કામગીરી કરી પરિસ્થિતિ કાબૂમાં લેવા મથામણ કરતી રહી. કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
કાંઠા વિસ્તારો — સેગવી, મોટા અને નાનાસુરવાડાના માંગેલવાડ ખાતે તોફાની પવનના કારણે અનેક મકાનોના પતરા ઉડી ગયા હતા. કેટલીક દીવાલોમાં તિરાડ પડી હતી તેમજ ઘરો પર વૃક્ષો અને ડાળીઓ પડી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. દરિયાકાંઠે ઉભેલી હોડીઓ એકબીજા સાથે અથડાતા બોટ માલિકોને પણ ભારે નુકસાન થયું.
તે જ રીતે ધરમપુર અને કપરાડા તાલુકામાં પણ ભારે વરસાદને કારણે નીચાણવાળા કોઝવે પાણીમાં ગરક થઈ ગયા હતા, જેના કારણે ગ્રામજનોના દૈનિક જીવનમાં મુશ્કેલીઓ ઉભી થઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે