અમરેલી એરપોર્ટ પર મીની પ્લેન ક્રેશ થતા બચ્યું, મોટો અકસ્માત ટળ્યો
અમરેલી, 28 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી એરપોર્ટ ખાતે આજે બપોરે એક મીની એરક્રાફ્ટ લેન્ડિંગ દરમ્યાન રનવે પરથી સરકતા મોટી દુર્ઘટના સર્જાતી સર્જાતી રહી ગઈ. મળતી માહિતી મુજબ ટ્રેનિંગ દરમિયાન એરક્રાફ્ટ રનવે પર ઉતરતું હતું ત્યારે અચાનક નિયંત્રણ ગુમાવતાં તે રનવ
અમરેલી એરપોર્ટ પર મીની પ્લેન ક્રેશ થતા બચ્યું, મોટો અકસ્માત ટળ્યો


અમરેલી, 28 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી એરપોર્ટ ખાતે આજે બપોરે એક મીની એરક્રાફ્ટ લેન્ડિંગ દરમ્યાન રનવે પરથી સરકતા મોટી દુર્ઘટના સર્જાતી સર્જાતી રહી ગઈ. મળતી માહિતી મુજબ ટ્રેનિંગ દરમિયાન એરક્રાફ્ટ રનવે પર ઉતરતું હતું ત્યારે અચાનક નિયંત્રણ ગુમાવતાં તે રનવેની સાઇડમાં સરકીને અટક્યું. ઘટનાથી એરક્રાફ્ટને નુકસાન થયું છે પરંતુ સૌભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.

ચક્ષુદ્ર્શીઓના જણાવ્યા પ્રમાણે, પાયલોટ દ્વારા સમયસરની કાર્યવાહી કરવામાં આવતા અકસ્માતથી મોટો ખતરો ટળી ગયો. જો વિમાન વધુ ઝડપથી આગળ સરકતું તો રનવેની બહાર ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકી હોત. જીવ તળાવની આસપાસ એરક્રાફ્ટ સરકતાં લોકોના હૃદય ધડકારા વધી ગયા હતા.

અમરેલીના કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે, “એરક્રાફ્ટ રનવે પર લેન્ડિંગ સમયે ત્રાંસુ થયું હતું. પ્લેનને નુકસાન થયું છે પરંતુ કોઈ જાનહાનિ નથી.” તેમણે વધુમાં ઉમેર્યું કે ઘટનાની તપાસ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પહેલી ઘટના નથી કે જ્યારે અમરેલીમાં મીની એરક્રાફ્ટ ક્રેશ થયો હોય. અગાઉ પણ સમાન પ્રકારની ઘટના બનતા એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા અને પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના કાર્ય પર સવાલો ઊભા થયા હતા. તાજા બનાવ બાદ ફરીથી ટ્રેનિંગ સેન્ટર દ્વારા ઘટનાને છુપાવવાનો પ્રયાસ થવાનો આક્ષેપ સામે આવ્યો છે.

ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે, જેમાં એરક્રાફ્ટ લેન્ડિંગ સમયે ત્રાંસુ થઈને રનવેની સાઇડમાં સરકતો જોવા મળે છે. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ ન થતાં રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે, પરંતુ આ બનાવે ટ્રેનિંગની સલામતી અંગે ગંભીર ચિંતા ઉભી કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande