પોરબંદર, 28 સપ્ટેમ્બર (હિ.સ.): સ્વચ્છતા હી સેવા પખવાડીયાં અંતર્ગત પોરબંદર એસટી ડેપોના કર્મચારીઓ તથા સંકલન સમિતિના હોદ્દેદારો દ્વારા ભવ્ય શ્રમયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે જુનાગઢ વિભાગના ડી.એમ.ઈ. અને કેર ટેકર શ્રી એચ.એન.દવેએ કર્મચારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે “હવે સ્વચ્છતા માત્ર અભિયાન ન રહી, પરંતુ આપણી રોજીંદી આદત બનવી જોઈએ. જો આપણે રોજિંદી જીવનમાં સ્વચ્છતાને વણી લઈશું તો ગંદકી આપણાથી હજારો જોજન દૂર રહેશે.” કાર્યક્રમ સફળ બનાવવા માટે જોડાયેલા સંકલન સમિતિના હોદ્દેદારો તથા સર્વે કર્મચારીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અને શ્રમયજ્ઞ અંતર્ગત પોરબંદર ડેપોની સુવ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવી હતી.
આ પ્રસંગે પોરબંદર એસટી ડેપો મેનેજર પી.બી. મકવાણા, સ્ટેન્ડ ઈન્ચાર્જ, મજુર મહાજનના ઉપપ્રમુખ ભુરાભાઈ દાસા, બી.એમ.એસ. આગેવાન નુરુદ્દીનભાઈ ચંદ્રોગા, કર્મચારી મંડળના રાજેશભાઈ વરૂ તથા પોરબંદર ડેપોના અનેક કર્મચારીઓ મોટી સંખ્યામાં શ્રમયજ્ઞમાં જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya