અમરેલી, 29 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં હાલના દિવસોમાં શાકભાજીના ભાવોને લઈને ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે. ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવતા મરચાં, કારેલા, કોબી, રીંગણા સહિતના શાકભાજી બજારમાં લઈ જતા હોવા છતાં તેમને યોગ્ય ભાવ મળતા નથી. ખેતીમાં દિવસ-રાત મહેનત કર્યા બાદ પણ જ્યારે ઉત્પાદન વેચાણ વખતે ૧૦ થી ૨૫ રૂપિયા પ્રતિ કિલોના ભાવ જ મળે છે ત્યારે ખેડૂતોના દિલમાં નિરાશા છવાઈ ગઈ છે.
સ્થિતિ એવી સર્જાઈ છે કે અનેક ખેડૂતો તેમના ખેતરમાંથી તોડી લાવેલા મરચાં અને કારેલા ગાયોને ખવડાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ ગાયો પણ તે ખાવાથી ઇનકાર કરી દે છે. અંતે ખેડૂતો આ શાકભાજી નદીમાં ફેંકીને પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતો જણાવે છે કે ખેતીના ખર્ચા દિવસેને દિવસે વધી રહ્યા છે. બીજ, દવાઓ, ખાતર, મજૂરી બધું મોંઘું છે, પરંતુ તેની સામે શાકભાજી બજારમાં સાવ નેવડાં ભાવમાં વેચવું પડે છે. પરિણામે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડે છે. ખેડૂત રમેશભાઈએ જણાવ્યું કે, “અમે આખો સીઝન મરચાં અને કારેલા ઉગાડવામાં લગાડ્યો. પરંતુ આજે ભાવ એવા છે કે બજારમાં લઈ જઈએ તો મહેનતાણું પણ પાછું ન આવે. મજબૂરીમાં શાકભાજી નદીઓમાં ફેંકવી પડે છે. અમારો સ્પષ્ટ માગ છે કે સરકાર શાકભાજીના પણ પોષણશામ ભાવો નક્કી કરે, જેમ અનાજ અને કપાસ માટે થાય છે, નહીં તો ખેડૂતોને ખેતીમાંથી ઉચાટ આવી જશે.”
ખેડૂતોના આ રોષથી સ્પષ્ટ થાય છે કે જો હાલની પરિસ્થિતિ યથાવત રહી તો ખેડૂતો શાકભાજી ઉત્પાદન કરતા પાછા હટી જશે અને તેનો સીધો ફટકો સામાન્ય જનતાને પણ ભોગવવો પડશે. હાલ જે પરિસ્થિતિ છે તેમાં ખેડૂતો પોતાના ખર્ચા પણ પૂરાં નથી કરી શકતા.
કુલ મળીને બગસરા સહિત સૌરાષ્ટ્રમાં શાકભાજી ખેડૂતોની હાલત અત્યંત કફોડી છે. સરકાર તરફથી શાકભાજી માટે પણ લઘુત્તમ આધારભૂત ભાવ (MSP) નક્કી થાય અને ખેડૂતોને સાચો ન્યાય મળે તેવી ભાવના ખેડૂતો વારંવાર વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોના આ અવાજને જો સમયસર ન સાંભળવામાં આવે તો ખેતી ક્ષેત્રમાં મોટો સંકટ ઊભો થવાની શક્યતા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai