ગાંધીનગર, 30 સપ્ટેમ્બર (હિ.સ.): સર્વ વિદ્યાલય કેળવણી મંડળ – કડી ગાંધીનગર સંચાલિત ક્ડી સર્વ વિશ્વવિધાલયની સંલગ્ન, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશન, તથા અમેરિકાથી કાયરોપ્રેકટીકની ડિગ્રી પાપ્ત કરીને આવેલા સી.એમ પટેલ કોલેજ ઓફ ફિઝીયોથેરાપી, ગાંધીનગરના બે પ્રોફેસર્સ ડો. કે. વેદિયનાદન, ડો.પાર્થ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ અમેરિકાના વેસ્ટ સાનફ્રાન્સિસ્કોની લાઇફ કાયરોપ્રેકટીક કોલેજ વેસ્ટ (LCCW) યુ.એસ.એ.ના 8 જેટલા અમેરિકી કાયરોપ્રેકટર ડોકટરઓની ટીમ દ્વારા 1 ઓકટોબર 2025 સુધી સેકટર 12 સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ સી.એમ. પટેલ કોલેજ ઓફ ફિઝીયોથેરાપીમાં નિશુલ્ક કાયરોપ્રેકટીક સારવાર આપવામાં આવશે.
આ સારવાર કેમ્પનું ઉદ્ ઘાટન કડી સર્વ વિશ્વ વિધાલયના ચેરમેન વલ્લભભાઇ પટેલ, સંસ્થાના ટ્રસ્ટીઓ, તથા યુ.એસ.એ.ની કાયરોપ્રેકટીક કોલેજના, LCCWના અમેરિકી કાયરોપ્રેકટર ડોકટરશ્રીઓ તથા કે.એસ.વી. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશનના ડાયરેટર ડો. જીનલ જોષીના, કરકમળ દ્વારા તારીખ. 29 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 8:30 કલાકે સેકટર-12, સી.એમ. પટેલ કોલેજ ઓફ ફિઝીયોથેરાપી ખાતે કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે યુ.એસ.એ.થી પધારેલા તમામ નિષ્ણાત ડોકટરઓનુ સન્માન કરવામાં આવ્યુ હતુ તેમજ આ તમામ ડોકટરઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ક્ડી સર્વ વિશ્વવિધાલય દ્વારા આ નવમો કાયરોપ્રેકટીક સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે. અગાઉ 16000 થી પણ વધારે દર્દીઓને આ કાયરોપ્રેકટીક સારવારનો લાભ લીધો હતો. અને દર્દીઓને આ સારવાર થી રાહત થયેલી છે. તેથી સર્વ વિધાલય કેમ્પસ કડી ખાતે આ બીજા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ”કર ભલા હોગા ભલા” સુત્રને આ સારવાર કેમ્પ યોજીને સાર્થક કરવાનો હેતુ સંસ્થાનો છે. 2100 થી પણ વધારે રજિસ્ટ્રેશન આ કાયરોપ્રેકટીક સારવાર કેમ્પમાં થયેલા છે. સારવાર આપવા માટે અમેરિકાથી કાયરોપ્રેકટીકની ડિગ્રી પાપ્ત કરીને આવેલા સી.એમ પટેલ કોલેજ ઓફ ફિઝીયોથેરાપી ગાંધીનગરના બે પ્રોફેસર્સ ડો. કે. વેદિયનાદન, ડો.પાર્થ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ અમેરિકાથી કુલ 8 નિષ્ણાત ડોકટરશ્રીઓ દ્વારા ગાંધીનગર તથા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલ દર્દીઓને સારવાર આપવામાં આવશે.
સી.એમ પટેલ કોલેજ ઓફ ફિઝીયોથેરાપી, ગાંધીનગરમાં નિશુલ્ક ઓ.પી.ડી.માં ડો. કે. વેદિયનાદન, ડો.પાર્થ ત્રિવેદી દ્વારા કાયમી સારવાર આપવામાં આવે છે.
ગરદનનો દુ:ખાવો, પીઠનો દુ:ખાવો, કમરનો દુ:ખાવો, હાથ કે પગમાં ઝણઝણાટી આવવી વગેરે જેવી તક્લીફમાં સારવાર આપવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ