
સુરત, 13 જાન્યુઆરી (હિ.સ.): શહેરમાં દર વર્ષે ઉત્તરાયણ પૂર્વે પતંગ પકડવાની લ્હાયમાં રસ્તાઓ ઉપર દોડતા યુવાનો ગંભીર અકસ્માતોના ભોગ બનતા હોય છે,આ સિવાય ચાઈનીઝ સહીત ઘાતક દોરીના લીધે થતા ગંભીર અને જીવલેણ સહિતના અકસ્માતોને અટકાવવા અને ઉત્તરાયણનો તહેવાર સુરક્ષિત અને આનંદમય રીતે ઉજવાય તે હેતુથી સુરત શહેર પોલીસ દ્વારા આ વખતે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે.પોલીસ વિભાગ દ્વારા તહેવારના દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.આ અંતર્ગત શહેરના તમામ વિસ્તારોમાં શાંતિ જળવાઈ રહે અને નાગરિકો સારી રીતે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં આ પર્વની ઉજવણી કરી શકે તે માટે પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ એક્સ્ટ્રા પોલીસ ફોર્સ સહીત વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.
સુરત શહેર પોલીસ દવારા ઉત્તરાયણના તહેવારને લઈને સુરક્ષા અને કાયદા વ્યયવસ્થા જાળવવા માટે જે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે તે મુજબ 363 ઉચ્ચ પોલીસ અધિકારીઓ, 2500 પોલીસ કર્મચારીઓ, 800 TRB જવાનો, 1380 હોમગાર્ડ અને SRPની 5 કંપનીઓનો સમાવેશ થાય છે. આટલા વિશાળ અને વિશેષ કાફલા દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓ અને સંવેદનશીલ વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવશે.આ ઉપરાંત 7 ક્યુઆરટી ટીમ,10 ડીસીબી ટીમ અને 10 એસઓજીની ટીમો દ્વારા ખાસ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે પોલીસ વિભાગ 150 જેટલા ધાબા પોઈન્ટ્સ પરથી સીધું સુપરવિઝન રાખશે. સમગ્ર શહેર પર સીસીટીવી કેમેરા અને બોડીવોર્ન કેમેરા દ્વારા સતત સર્વેલન્સ કરવામાં આવશે. આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે પીસીઆર વાન, 112 સેવા અને બાઈક પેટ્રોલિંગની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે,જેથી કોઈપણ સ્થળે તાત્કાલિક પોલીસ મદદ પહોંચી શકે.પોલીસ દ્વારા ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને સુરક્ષા વ્યવસ્થાને વધુ સચોટ બનાવવામાં આવી છે.
બાળકોની સાથે વડીલોને રહેવા માટે અપીલ
આ વખતે સુરત શહેર પોલીસ દ્વારા સુરક્ષિત ઉત્તરાયણ માટે ખાસ અને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.શહેરમાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે,પેટ્રોલિંગ સહિતના આયોજનો કરવામાં આવ્યા છે.આ સિવાય ખાસ કરીને પોલીસ દવારા એવી અપીલ કરવામાં આવી છે કે નાના બાળકો પતંગ ચગાવવા અગાસી પર જાય ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વડીલોએ સાથે રહેવું.મોબાઈલમાં સેલ્ફી તેમજ રીલ્સ બનાવવાની ઘેલછામાં અગાસી બનાવોને બનતા હોય છે તેની ખાસ તકેદારી રાખવી તેમજ કોઈની પણ લાગણી ના દુભાય તેવા ગીતો ઉચ્ચારણો નહીં કરવા અંગે પણ તાકીદ કરવામાં આવ્યું છે.પતંગ ચગાવવા,લૂંટવા,માઈક વગાડવા તથા યુવતીઓની મશ્કરી કરવા જેવા બનાવોથી નાના મોટા ઘર્ષણના બનાવો બનતા હોય છે જે બાબતે જરૂરી તકેદારી રાખવા જણાવવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે