ષષ્ઠતિલા અગિયારસે રામનાથ ઘેલા સ્મશાનમાં ઉમટી ભક્તોની ભીડ
સુરત, 14 જાન્યુઆરી (હિ.સ.)-આજે પવિત્ર ષષ્ઠતિલા અગિયારસના અવસરે સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ રામનાથ ઘેલા સ્મશાન ભૂમિમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી. લોકો પોતાના સ્વર્ગસ્થ પૂર્વજોના આત્મકલ્યાણ અને આશીર્વાદ માટે તર્પણ તથા પૂજા
રામનાથ ઘેલા સ્મશાનમાં ઉમટી ભક્તોની ભીડ


સુરત, 14 જાન્યુઆરી (હિ.સ.)-આજે પવિત્ર ષષ્ઠતિલા અગિયારસના અવસરે સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ રામનાથ ઘેલા સ્મશાન ભૂમિમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી. લોકો પોતાના સ્વર્ગસ્થ પૂર્વજોના આત્મકલ્યાણ અને આશીર્વાદ માટે તર્પણ તથા પૂજા કરવા પહોંચ્યા હતા.

હિંદુ ધર્મમાં ષષ્ઠતિલા અગિયારસને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા મુજબ આ દિવસે દાન અને તર્પણ કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે. આ કારણે દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે.

અનોખી પરંપરા મુજબ પિતૃ તર્પણ

રામનાથ ઘેલા સ્મશાનમાં પિતૃ તર્પણની પરંપરા થોડી અલગ છે. અહીં શ્રદ્ધાળુઓ પોતાના પૂર્વજોને જીવનકાળમાં ગમતી વસ્તુઓ અર્પણ કરે છે. ભોજન, મીઠાઈ તેમજ વ્યક્તિગત પસંદગીની વસ્તુઓ સાથે ધૂપ-દીપ કરી પૂજા કરવામાં આવે છે.

દારૂ અર્પણ કરવાની વર્ષોથી ચાલતી પરંપરા

જેનાં પૂર્વજોને જીવનકાળમાં દારૂ કે કોઈ ખાસ પીણું ગમતું હતું, તેમના પરિવારજનો દ્વારા તે પણ અર્પણ કરવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને શ્રદ્ધા સાથે જોડવામાં આવે છે. પરિવારજનોનું માનવું છે કે પૂર્વજોને ગમતી વસ્તુ અર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે.

પૂજા દરમિયાન ભાવુક માહોલ

પૂજા વિધિ દરમિયાન સ્મશાન પરિસરમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા. ઘણા પરિવારજનો પોતાના પૂર્વજોને યાદ કરીને રડી પડ્યા હતા. લોકો તસવીરો સામે હાથ જોડીને પ્રાર્થના કરતા અને સ્મૃતિઓમાં તણાયા હતા.

ભક્તિ અને લાગણીઓનો સંગમ

રામનાથ ઘેલા સ્મશાનમાં યોજાયેલી આ વિધિમાં ભક્તિ, મોક્ષની કામના અને પારિવારિક લાગણીઓનો અદભૂત સંગમ જોવા મળ્યો. સમાજના દરેક વર્ગના લોકો અહીં પિતૃભક્તિમાં લીન થયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande