
જૂનાગઢ 14 જાન્યુઆરી (હિ.સ.) જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે માસ્ટર અને ડોક્ટરલ એટલે કે પી. એચડી. નો અભ્યાસ કરતા કરતા વિદ્યાર્થીઓના સંશોધન કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે કુલપતિ ડો. વી. પી. ચોવટીયાના અધ્યક્ષ સ્થાને ‘અન્વેશન ૨૦૨૫-૨૬’ સ્ટુડન્ટ રીસર્ચ કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ યુનિવર્સિટી કક્ષાના કન્વેન્શનમાં વિદ્યાર્થીઓએ પોતાના સંશોધન વિષયો પર પોસ્ટર પ્રેઝન્ટેશન અને પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા રજૂઆતો કરી હતી. આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા કુલ ૬ વિદ્યાર્થીઓની પસંદગી આગામી ઝોન કક્ષાની સ્પર્ધા માટે કરવામાં આવી છે. પસંદગી પામેલા આ વિદ્યાર્થીઓ તા. ૨૦ અને ૨૧ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાનાર વેસ્ટ ઝોન કક્ષાના ‘અન્વેશન ૨૦૨૫-૨૬’ સ્ટુડન્ટ રીસર્ચ કન્વેન્શનમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી કુલપતિ ડો. વી. પી. ચોવટીયાએ સહભાગી વિદ્યાર્થીઓના સંશોધન કાર્યની સરાહના કરી હતી અને તેમને સંશોધન ક્ષેત્રે નવા આયામો હાંસલ કરવા માટે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી દ્વારા પ્રત્યેક વર્ષે આયોજિત થતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓના સંશોધનો અને મૌલિક વિચારોને દેશ અને દુનિયા સમક્ષ રજૂ કરવા માટે મંચ પૂરું પાડવાનો છે.
આ અવસરે યુનિવર્સિટીના સંશોધન નિયામક ડો. એ. જી. પાનસુરીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એન. બી. જાદવ તેમજ કુલસચિવ ડો. વાય. એચ. ઘેલાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓના ઇન્ચાર્જ નિયામક અને યુનિવર્સિટી લેવલ કો-ઓર્ડીનેટર ડો. બી. એસ. ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ