
સુરત, 13 જાન્યુઆરી (હિ.સ.): ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત ‘મેરા યુવા ભારત- સુરત દ્વારા રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક સમન્વયના હેતુથી તા.8 થી 12 જાન્યુ. દરમિયાન આંતરરાજ્ય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉત્તરપ્રદેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા 37 યુવા પ્રતિનિધિઓએ સુરતની મુલાકાત લઈ શહેરની શૈક્ષણિક, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિરાસતનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો. મેરા યુવા ભારત- સુરતના ડેપ્યુટી ડિરેક્ટર સચિન શર્માના માર્ગદર્શન હેઠળ આયોજિત આ પ્રવાસનો હેતુ દેશના વિભિન્ન રાજ્યોના યુવાનો વચ્ચે વિચાર વિનિમય અને પરસ્પર સમજ વધારવાનો છે.
આ પ્રવાસ દરમિયાન યુવા પ્રતિનિધિઓએ સુરતના આર્થિક અને શૈક્ષણિક વિકાસના સ્તંભ સમાન ઔરો યુનિવર્સિટી, અદાણી પોર્ટ, સ્ટ્રીમલાઇન ઇન્ડસ્ટ્રી, એચ.કે. ડાયમંડ અને સુમુલ ડેરી જેવા પ્રતિષ્ઠિત એકમોની મુલાકાત લીધી હતી. જેમાં યુવાનોએ આધુનિક ટેકનોલોજી, ઉદ્યોગ વ્યવસ્થાપન અને સહકારી ક્ષેત્રના મોડલ વિશે ઝીણવટભરી જાણકારી મેળવી હતી. આ ઉપરાંત, સુવાલી બીચ ફેસ્ટિવલમાં સહભાગી થઈને તેમણે ગુજરાતની લોકકલા અને પરંપરાઓને માણી હતી. ધારાસભ્ય સંદીપ દેસાઈ, કર્નલ જગન્નાથ નિસોન્કો, રોજગાર અધિકારી અમનદીપ સિંહ અને ડીસીપી મતી શેફાલી બરવાલ સાથે સંવાદ સાધ્યો હતો. મહાનુભાવોએ યુવાનોને શિસ્ત અને સામાજિક જવાબદારી સાથે દેશના વિકાસમાં ભાગીદાર બનવા પ્રેરણા આપી હતી.
આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ઝલક જોવા મળી હતી, જેમાં ઉત્તર પ્રદેશના યુવાનોએ ગુજરાતના ગરબાના તાલે ઝૂમીને સાંસ્કૃતિક એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં મનોજ દેવીપૂજક, જેવિક રૈયાણી, કમલ સોલંકી સહિતના સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ યુવાનો માટે માત્ર એક શૈક્ષણિક પ્રવાસ ન બની રહેતા, જ્ઞાન અને રાષ્ટ્રીય અખંડિતતાનો મજબૂત સેતુ સાબિત થયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે