
વલસાડ, 13 જાન્યુઆરી (હિ.સ.) ધરમપુર તાલુકાના નડગધરી ગામે ગામના સરપંચ તથા તિથલ ગામના સરપંચ રાકેશ પટેલની મદદથી ગૌદાન કાર્યક્રમ ડૉ. આશા ગોહિલ દ્વારા યોજાયો હતો. જેમાં 8 ગૌવંશ વિતરણ કરવામાં આવ્યા હતા. જરૂરિયાતમંદ લોકો પશુપાલન અને પશુસંવર્ધન થકી પગભર બને એ હેતુથી આયોજિત થતા ગૌદાન કાર્યક્રમનો 99 મો ગૌદાન કાર્યક્રમ યોજાયો હતો.
તિથલ ગોદાવરી બાગ પાસે રહેતા હંસાબેન પટેલ દ્વારા આઠ ગૌવંશ પૂરા પાડવામાં આવ્યા હતા. આ ગૌવંશને વલસાડથી નડગધરી લઈ જવા માટે આર્થિક સહાય ડૉ. સુધીર જોશી તથા પ્રા. ડૉ. જ્યોતિ જોશી તરફથી મળી હતી. ગામના સરપંચની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં વલસાડથી ડૉ. સુધીર જોશી, ડૉ. જ્યોતિ જોશી, જયેશ ચૌહાણ , હાર્દિક પટેલ , જે. સી. મિસ્ત્રી, દિપક મર્ચન્ટ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બાબલભાઈ, સલમુભાઈ, માવજીભાઈ અને સૂરજભાઈએ જહેમત ઉઠાવી હતી.
અત્રે નોંધનીય છે કે, ગૌદાન કાર્યક્રમ થકી પશુપાલન દ્વારા ઘર બેઠાં ગ્રામીણ વિસ્તારમાં આજીવિકા ઊભી થઈ રહી છે. આ અગાઉ આપેલા ગૌવંશનો ઉપયોગ પશુપાલન અને પશુસંવર્ધન માટે થઈ રહ્યો છે કે કેમ જોવા માટે ડો.આશાબેન ગોહિલ દ્વારા વખતો વખત લાભાર્થીના ઘરે મુલાકાત પણ લેવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે