
જામનગર, 13 જાન્યુઆરી (હિ.સ.) આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત એક સભામાં, પક્ષના નેતાઓ ઈશુદાન ગઢવી અને ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ સભામાં વડોદરાના પાંચ ભાજપના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને લખાયેલા પત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં અધિકારીઓ તેમને માન આપતા નથી અને તેમનું કામ કરતા નથી તેવી ફરિયાદ કરાઈ હતી.
ઈશુદાન ગઢવીએ પોતાના સંબોધનમાં સરકારી અંગ્રેજી શાળાઓના અભાવ અને સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી. હોસ્પિટલમાં ડોકટરોની અછત જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમણે મહાનગરપાલિકા દ્વારા ભાજપનો પ્રચાર ન કરવા અને વિકાસના પાંચ કાર્યો દર્શાવવા પડકાર ફેંક્યો હતો.ગઢવીએ 'મા કાર્ડ' અને 'પિતા કાર્ડ'ના બેફામ ઉપયોગ અને ખોટા ઓપરેશનો થતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે વિસાવદરની જનતાને લાખ લાખ સલામ કરી હતી, કારણ કે 160 ગામોમાં 162 જેટલા ધારાસભ્યો પ્રચારમાં ઉતર્યા હોવા છતાં જનતાએ તેમને સાથ આપ્યો ન હતો.જૂનાગઢની વાત કરતા ઈશુદાન ગઢવીએ હેમાબેન આચાર્યનો ઉલ્લેખ કર્યો, જેઓ સંઘના અગ્રણી કાર્યકર હતા. ગઢવીએ કહ્યું કે તેમણે હેમાબેનને ભાજપમાં લાવ્યા હતા, પરંતુ હવે તેઓ તેમને ભાજપને હટાવવા માટે આશીર્વાદ આપે છે.આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ લોકશાહીને બદલે 'મુગલ સરકાર' જેવી પરિસ્થિતિ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે શહેનશાહ આવે છે ત્યારે રોડ-રસ્તા બની જાય છે, પરંતુ સામાન્ય માણસો અને સરકારી કર્મચારીઓ હેરાન થાય છે.ઇટાલીયાએ વડોદરાના પાંચ ભાજપના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને લખાયેલા પત્રનો મુદ્દો ફરી ઉઠાવ્યો હતો. આ પત્રમાં ધારાસભ્યોએ ફરિયાદ કરી હતી કે અધિકારીઓ તેમને માન આપતા નથી અને તેમનું કામ કરતા નથી. ઇટાલીયાએ સવાલ કર્યો કે જો ભાજપના ધારાસભ્યોનું અધિકારીઓ પાસે ઉપજતું ન હોય, તો ગામડાના સામાન્ય માણસોની દશા શું હશે?ગોપાલ ઇટાલીયાએ વધુમાં કહ્યું કે, ધારાસભ્યો મુખ્યમંત્રીને પત્ર લખીને ફરિયાદ કરે છે કે તેમનું કંઈ ઉપજતું નથી. તેમણે વ્યંગ કરતા કહ્યું કે, કદાચ મુખ્યમંત્રી પણ આવો જ પત્ર લખવા માંગતા હશે કે તેમનું પણ કંઈ ઉપજતું નથી, પરંતુ તેઓ કોને કહે? તેમણે વર્તમાન પરિસ્થિતિને એવી ગણાવી કે જાણે બાળક પિતાને ફરિયાદ કરે, પણ પિતા કોને ફરિયાદ કરે.આ પરિવર્તન સભામાં આમ આદમી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા હેમંત ખાવા સૌરાષ્ટ્ર જ્યોન અધ્યક્ષ પ્રકાશ દોંગા, શહેર અને જિલ્લા ના આમ આદમી પાર્ટીના પ્રમુખો,મહામંત્રી, આગેવાન અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt