
પાટણ, 13 જાન્યુઆરી (હિ.સ.) પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઉત્તરાયણ પૂર્વે પતંગ અને દોરીના બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. લોકોએ ઉત્તરાયણની ઉજવણી માટે પતંગ-દોરી સાથે સાથે નાસ્તા માટે શેરડી, બોર તેમજ ઊંધિયા બનાવવા માટે શાકભાજીની પણ મોટા પાયે ખરીદી કરી હતી.
બુધવારે ઉત્તરાયણ હોવાથી જિલ્લાભરના લોકો પતંગ-દોરી ખરીદવા શહેરોના બજારોમાં ઉમટી પડ્યા હતા. પાટણ શહેરના ચતુર્ભુજબાગ, હીંગળાચાચર ચોક, બગવાડ, જુનાગંજ અને મેન બજાર જેવા વિસ્તારોમાં ખરીદી માટે ખાસી ચહલપહલ જોવા મળી હતી.ઉત્તરાયણના આગલા દિવસે પતંગ-દોરીના ભાવમાં વધારો નોંધાયો હતો. વેપારીઓના જણાવ્યા અનુસાર ફીરકીમાં રૂ. 50નો અને પતંગોમાં કોડી દીઠ રૂ. 5 થી 10નો વધારો થયો હતો. બરેલીની રિયાસત, એ.કે. 56 અને પાંડા બ્રાન્ડની દોરીની માંગ વધુ રહી હતી.પતંગ રસિયાઓમાં ઉત્તરાયણને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ ઉત્તરાયણના દિવસે 5 થી 15 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ પવન રહેશે, જે પતંગ ચગાવવા માટે અનુકૂળ રહેશે, જેના કારણે ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ