
સુરત, 13 જાન્યુઆરી (હિ.સ.): શહેરનાં ઉન વિસ્તારમાં અલ ખલીલ ટી સેન્ટર પર બે યુવકો પર જીવલેણ હુમલો કરીને એક યુવકને મોતને ઘાટ ઉતારનાર કુખ્યાત દાલ ચાવલ ગેંગ વિરૂદ્ધ અંતે ભેસ્તાન પોલીસ દ્વારા ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભેસ્તાન પોલીસ દ્વારા દાલ ચાવલ ગેંગનાં કુખ્યાત ઈમરોજ મજીદ અંસારી, સલમાન ઉર્ફે લસ્સી સલીમ મિર્ઝા, શાહરૂખ મજીદ અંસારી અને અરબાજ ઉર્ફે બાબા પઠાણની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના હાથે ઝડપાયેલા દાલ ચાવલ ગેંગ વિરૂદ્ધ સુરત શહેરનાં અલગ - અલગ પોલીસ મથકમાં હત્યા સહિતની ઢગલાબંધ ફરિયાદો નોંધાયેલી છે. આ ટોળકી ભેસ્તાન સહિત આસપાસનાં વિસ્તારોમાં હત્યા - ચોરી - લૂંટ અને ચેઈન સ્નેચિંગ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ છે.
થોડા સમય પૂર્વે ઉનમાં ભીંડી બજાર પાસે અલ ખલીલ ટી સેન્ટર પર બે યુવકોને મળવાના બ્હાને બોલાવીને દાલ ચાવલ ગેંગનાં ઈમરોજ ઉર્ફે દાલ ચાવલ મજીદ અંસારી અને તેની ટોળકીએ બંને યુવકો પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં શકીલ ઉર્ફે બાંગાનું મોત નિપજ્યું હતું જ્યારે એક અન્ય યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જો કે, દાલ ચાવલ ગેંગ સાથે સંકળાયેલા આ આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી ઉન, ભેસ્તાન અને પાંડેસરા સહિત આસપાસનાં વિસ્તારમાં અસંખ્ય ગેરકાયદેસર અને આપરાધિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાને કારણે આતંકનો પર્યાય બન્યા હતા. જેને પગલે પોલીસ દ્વારા આ ગેંગ વિરૂદ્ધ ગીજસીટોકનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. પોલીસ દ્વારા ઉનમાં મુજમીન નગર ખાતે રહેતા ઈમરોજ ઉર્ફે દાલ ચાવલ મજીદ અંસારી (2) સલામન ઉર્ફે લસ્સી સલીમ મિર્જા (રહે. આઝાદ ચોક પતરાની ચાલ, ઈસ્લામી ચોક, મીઠીખાડી) (3) શહારૂખ મજીદ અંસારી (રહે. મુજમીનગર, ભિંડી બજાર ઉન) અને (4) અરબાજ ઉર્ફે બાબા યય્યા પઠાણ (રહે. સોએબ નગર - બી, ઉન)ને ઝડપી પાડીને ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
ઈમરોજ વિરૂદ્ધ 16 અને સલામ વિરૂદ્ધ 18 ફરિયાદોદાલ ચાવલ ગેંગનાં નામે શહેરનાં અલગ - અલગ વિસ્તારોમાં ખુન, ખુનની કોશિષ, ચોરી, સ્નેચિંગ અને ધમકી સહિત ડ્રગ્સનાં વેપલામાં સંડોવાયેલા આરોપીઓનાં સતત વધી રહેલા આતંકને પગલે ભેસ્તાન પોલીસ દ્વારા હવે આ ટોળકી વિરૂદ્ધ ગુજસીટોકની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસનાં જણાવ્યા અનુસાર ગેંગના મુખ્ય આરોપી ઈમરોજ ઉર્ફે દાલ ચાવલ વિરૂદ્ધ પાંડેસરા, ખટોદરા, ઉધના, ભેસ્તાન અને સચીન સહિતનાં પોલીસ મથકમાં 16 ફરિયાદ નોંધાયેલી છે જ્યારે બે વખત તેને પાસા અને તડીપાર પણ કરવામાં આવ્યો હતો. આ સિવાય આ ગેંગના એક અન્ય કુખ્યાત આરોપી સલમાન ઉર્ફે લસ્સી વિરૂદ્ધ પણ શહેરનાં લિંબાયત, ડિંડોલી, પાંડેસરા, ભેસ્તાન અને મરોલી પોલીસ મથકમાં 18 ફરિયાદો નોંધાવા પામી છે. આ સિવાયનાં અન્ય આરોપીઓ શાહરૂખ મદજીદ અંસારી, અરબાજ, સોહેબ વિરૂદ્ધ પણ પોલીસ ફરિયાદો દાખલ થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે